શ્રીનગર : ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સેના અને પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા મોટા ઓપરેશનને સફળ રીતે પાર પાડીને કુખ્યાત ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબાના આઠ ત્રાસવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રાસવાદી સંગઠન તોયબાના એક મોટા ત્રાસવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. કાશ્મીરમાં એજન્સીઓને મળેલા ઇનપુટના આધાર પર કાર્યવાહી કરીને સેના અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બારામુલ્લા જિલ્લામાં લસ્કરે તોયબા સાથે જોડાયેલા આઠ કટ્ટરપંથી ત્રાસવાદીઓની ધરપકડ કરી લેવામા આવી છે. ધરપકડ કરવામાં આવેલા ત્રાસવાદીઓની કઠોર પુછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ સુત્રોના કહેવા મુજબ બારામુલ્લા જિલ્લાના સોપોરે ખાતે એજન્સીઓએ કઠોર કાર્યવાહી હાથ ધરી હતી., લશ્કરે તોયબા માટે આઠ શખ્સો કામ કરી રહ્યા હોવાની બાતમી મળ્યા બાદ ગુપ્ત રીતે તપાસ કરવામાં આવી હતી. ઝડપાયેલા શખ્સો પાસેથી કેટલીક ચોંકાવનારી માહિતી સપાટી પર આવી શકે છે. કાશ્મીરમાં કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓ કોઇ પણ રીતે સ્થિતીને ખરાબ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. યુવાનોને ઉશ્કેરવાના પ્રયાસો પણ થઇ રહ્યા છે.
પકડી પાડવામાં આવેલા લોકો બારામુલ્લામાં દુકાનદારોને બજાર બંધ રાખવા માટે ધમકી આપી રહ્યા હતા. સાથે સાથે ધમકી ભરેલા પોસ્ટર જુદા જુદા વિસ્તારમાં લગાવવા માટેની કામગીરીમાં સામેલ હતા. ધરપકડ કરવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી કેટલાક વાધાંજનક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. તેમની પુછપરછમાં અન્ય છુપાયેલા કટ્ટરપંથીઓન સંબંધમાં માહિતી મળી શકે છે. પોલીસ તપાસ કરી રહી છે.