સુરત : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે હાલત કફોડી બનેલી છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં ૧૬ ઇંચથી વધારે વરસાદ થયો છે. જેના કારણે ચારેબાજુ જળબંબાકારની સ્થિતી સર્જાઇ ગઇ છે. બારડોલીમાં પણ ભારે વરસાદ થયો છે. હજુ ભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદ જારી રહ્યો હતો. રાજકોટ, ભાવનગર, પોરબંદર અને અન્યત્ર વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત કચ્છના મોટાભાગના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના મોડાસા, મેઘરજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થયો છે.
સૌરાષ્ટ્રના જે ભાગોમાં ભારે વરસાદ થયો છે જેમાં અમરેલીનો સમાવેશ થાય છે.આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટર-કચ્છના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં વરસાદી માહોલ રહ્યો છે. વાયુ વાવાઝોડાને પગલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાયો હતો. પરંતુ જુલાઈ મહિનામાં ધોધમાર અને ખાસ કરીને ઓગસ્ટ મહિના વરસેલા સાર્વત્રિક વરસાદે ગુજરાત રાજયનું ચિત્ર બદલી નાખ્યું છે. ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં અને ચાલુ સપ્ટેમ્બર માસના પ્રથમ નવ દિવસમાં મેઘરાજાએ જોરદાર ધડબડાટી બોલાવી હતી. જેને પગેલ અત્યાર સુધીમાં ગુજરાત રાજયમાં સીઝનનો ૧૧૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યના ૨૦૪ ડેમોમાં ૮૦.૬૯ ટકા અને સરદાર સરોવર ડેમમાં ૯૨ ટકા જળ સંગ્રહ થતા આગામી બે વર્ષ સુધી પીવાના અને સિંચાઈના પાણીનો કકળાટ નહિં રહે. આ વખતના ઘણા સારા અને સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના જળાશયો-ડેમોમાં ૮૦.૬૯ ટકા અને સરદાર સરોવરમાં ૯૧.૩૩ ટકા જળ સંગ્રહ થઇ ગયો છે. ગુજરાતના ૨૦૪ ડેમોમાં ૮૧.૫૪ ટકા જળ સંગ્રહ થયો છે.