નવીદિલ્હી : ઉત્તરપ્રદેશના શહેર કાનપુરને દેશના ૧૦ સૌથી મોટા સ્માર્ટ શહેરોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયની યાદીમાં કાનપુર આઠમાં સ્થાને છે. ગયા વર્ષે આ યાદીમાં કાનપુર ૧૩માં સ્થાન ઉપર રહ્યું હતું. આ વર્ષે કાનપુરને ટોચના ૧૦ શહેરોમાં જગ્યા મળ્યા બાદ સ્થાનિક અધિકારીઓએ આ સફળતા પર ખુશી વ્યક્ત કરી છે. કાનપુરનું નામ સામેલ કરવામાં આવ્યા બાદ કાનપુરના અધિકારી અને કાનપુર સ્માર્ટ સિટી લિમિટેડના સીઈઓ સંતોષકુમારે કહ્યું છે કે, આ ખુબ જ ખુશીની બાબત છે કે, આ યાદીમાં કાનપુરને આઠમું સ્થાન મળ્યું છે.
શહેરમાં ચાલી રહેલા તમામ પ્રોજેક્ટો પૂર્ણ થયા બાદ આ યાદીમાં કાનપુર હજુ નીચા સ્થાન ઉપર પહોંચી શકે છે. ૯૦૦ કરોડ રૂપિયાની યોજનાઓની ટૂંકમાં શરૂઆત કરવામાં આવશે. શહેરમાં જુદા જુદા કામો સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. સાફ સફાઈને મહત્વ મળી રહ્યું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ઇન્ચાર્જ અને અધિકારી પૂજા ત્રિપાઠીએ કહ્યું છે કે, નિગમના કોર્પોરેટરના નામ ઉપર શહેરના એક ડઝનથી પણ વધુ પાર્કમાં ઓપન જીમ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે.
આવી જ રીતે સફાઈ વ્યવસ્થા માટે પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. કાનપુરને જે શહેરોની સાથે દેશના ૧૦ સ્માર્ટ શહેરોમાં સામેલ કરવામાં આવ્યા છે તેમાં અમદાવાદ, નાગપુર, રાંચી, ભોપાલ, થિરુવંતનપુર, સુરત, વડોદરા અને વેલ્લોરનો સમાવેશ થાય છે. શહેરી વિકાસ મંત્રાલય તરફથી આ યાદી વિસ્તારપૂર્વક જારી કરવામાં આવી છે. આગામી દિવસોમાં કાનપુર સેન્ટ્રલની સ્થિતિમાં વધુ સુધારો થઇ શકે છે.