નવીદિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારામને આજે કહ્યું હતું કે, વપરાશને વેગ આપવા માટે વધુ બે મોટા પગલાની સરકાર દ્વારા ટૂંકમાં જાહેરાત કરવામાં આવશે. જો કે, પ્રધાને સરકાર દ્વારા ટૂંકમાં જ જાહેર કરવામાં આવનાર બે નવા પગલાના સંદર્ભમાં કોઇ માહિતી આપી ન હતી. આની સાથે જ અટકળોનો દોર શરૂ થઇ ગયો છે. સીતારામને કહ્યું હતું કે, વપરાશને વેગ આપવાની જરૂર દેખાઈ રહી છે. ઇન્ડસ્ટ્રીમાં નવા પ્રાણ ફૂંકવા આગામી દિવસોમાં પગલા લેવામાં આવશે. સરકારે ખર્ચને વધારવાનો નિર્ણય કર્યો છે. ઓટો મોબાઇલ માર્કેટમાં પ્રવર્તી રહેલી મંદીને રોકવા અને તેમાં નવા પ્રાણ ફુંકવા અનેક પગલા જાહેર કરી દીધા છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, ઓથોરિટી દ્વારા આગામી ૩૦ દિવસની અંદર તમામ પેન્ડિંગ જીએસટી રિફન્ડનો નિકાલ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ભવિષ્યમાં ૬૦ દિવસની અંદર આવા તમામ રિફન્ડ જારી કરવામાં આવનાર છે. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તર પર અર્થતંત્ર અને ગ્રોથની સરખામણી કરવામાં આવે તો અમે હજુ પણ સૌથી આગળ દેખાઈ રહ્યા છે. એવું લાગે છે કે, વપરાશને વધારવાની જરૂર દેખાઈ રહી છે. આરબીઆઈ પાસેથી મળેલા ૧.૭૬ લાખ કરોડ રૂપિયાના ઉપયોગની સરકારની યોજના અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, આ સંદર્ભમાં હજુ સુધી કોઇ નિર્ણય કરાયો નથી.
અર્થતંત્રને ચલાવવા મોટાપાયે ભ્રષ્ટાચાર અને કૌભાંડોમાં સંડોવણી બદલ કોંગ્રેસ ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે, તેની અવધિમાં ફુગાવો રોકેટગતિએ વધીને બે આંકડામાં પહોંચ્યો હતો અને કિંમતો ખુબ વધી ગઈ હતી. અનફિટ અર્થતંત્ર ચલાવવા પર કોંગ્રેસની ટિપ્પણી અંગે તેમણે કહ્યું હતું કે, વિરોધ પક્ષોએ અર્થતંત્ર ઉપર કોઇપણ પ્રકારની ફિટ અથવા અનફિટ ટિપ્પણી કરવી જોઇએ નહીં.