મુસાફરોની ગેરવર્તણુંકના પગલે હવેથી તેજસ કે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોને ફિલ્મ જોવાની, વીડિયો ગેમ રમવાની કે ગીતો સાંભળવાની સુવિધા નહીં મળે. કારણ કે રેલવે વિભાગે આ ટ્રેનોમાંથી LCD સ્ક્રીન હટાવવાનો નિર્ણય લીધો છે. વારંવાર યાત્રીઓ LCD સ્ક્રીનને નુકસાન પહોંચાડતા હોય તેવી ઘટનાઓ બની રહી છે. જેને પગલે રેલવે વિભાગે આ નિર્ણય લીધો છે. અવારનવાર કોચમાં રેલવેને LCD સ્ક્રીનના વાયર તૂટેલા મળતાં, સ્ક્રીનને નુકસાન કરાતું કે પછી પાવરની સ્વીચ જ તૂટેલી મળતી. એવામાં રેલવે વિભાગે આ સુવિધાઓ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે.
સૂત્રો થકી મળતી માહિતી મુજબ, રેલવેએ પોતાના તમામ ઝોનમાં આ સ્ક્રીન હટાવવા માટે આદેશ આપ્યો છે. અને આ કામ શરૂ પણ થઈ ગયું છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે, ”આ આદેશ ફેબ્રુઆરીમાં જ આપી દેવાયો હતો, અને ઝોનલ રેલવે તરફથી ટૂંક સમયમાં જ આ ડિવાઈસ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાશે.” એક તરફ રેલવે LED સ્ક્રીન હટાવવાની તૈયારીમાં છે, તો બીજી તરફ બધી ટ્રેનોમાં વાઈ-ફાઈની સુવિધા આપવા પર વિચાર થઈ રહ્યો છે.