નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબુદી બાદ હવે પાકિસ્તાન જુદી જુદી હરકત ઉશ્કેરણીજનક રીતે કરી રહ્યુ છે. આ દિશામાં ભારતમાં રક્તપાત સર્જવા માટેના તેના પ્રયાસ જારી રહ્યા છે. પાકિસ્તાન ત્રાસવાદઓને પરોક્ષ રીતે મદદ કરીને ભારતમાં મોટા હુમલા કરવાના પ્રયાસમાં છે. આવી સ્થિતીમાં સુરક્ષા દળોની સામે અનેક નવા પડકારો આવી ગયા છે. તેમની યોજનાને નિષ્ફળ કરવાની બાબત સરળ નથી. કેટલાક રાજ્યોમાં આત્મઘાતી હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે.
મળેલી માહિતી મુજબ જૈશે મોહમ્મદના ખતરનાક આઠ આતંકવાદીઓ હાલમાં પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં છુપાયેલા હોવાના અહેવાલ મળી રહ્યા છે અને આ આતંકવાદીઓ મોટા હુમલાને અંજામ આપી શકે છે. ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા સુરક્ષા સંસ્થાઓ સાથે બે ખાસ પ્રકારની માહિતીની આપલે કરી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, મૌલાના મસૂદ અઝહરના નેતૃત્વમાં જૈશે મોહમ્મદના તાલીમ પામેલા આત્મઘાતી ત્રાસવાદીઓ પાકિસ્તાનથી ઘુસણખોરી કરી ચુક્યા છે. તેમના ટાર્ગેટ સેના અને અન્ય સુરક્ષા સંસ્થાઓના કેમ્પ હોઈ શકે છે. આઈબી દ્વારા આપવામાં આવેલી માહિતી ખુબ જ સંવેદનશીલ છે અને આને ધ્યાનમાં લઇને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. બંને રાજ્યોમાં સુરક્ષા દલોને એલર્ટ ઉપર મુકી દેવામાં આવ્યા છે. એવું જાણવા મળી રહ્યું છે કે, જૈશે મોહમ્મદના આ આતંકવાદીઓ પઠાણકોટમાં આઈએએફ બેઝ ઉપર ગયા વર્ષે કરવામાં આવેલા હુમલા જેવા ભીષણ હુમલાને અંજામ આપી શકે છે. હેવાલ મુજબ એક ગ્રુપ જમ્મુ કાશ્મીરમાં ઘુસી ગયું છે જ્યારે અન્ય ગ્રુપ શ્રીનગર તરફ ઘુસી ગયું છે. ચાર આતંકવાદીઓ જમ્મુ સેક્ટરમાં ઘુસણખોરી કરી ગયા છે.
નરોવાલમાં રહેલા વિસ્તાર મારફતે આ લોકો જમ્મુ સેક્ટરમાં ઘુસી ગયા છે. પૂંચ સેક્ટરમાં સરહદ ઉપર ભારતીય સેના ફરજ બજાવે છે જ્યારે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ગુરદાસપુર ખાતે બીએસએફ ફરજ બજાવે છે. જિલ્લા પોલીસ લાઈન કેમ્પસ પુલવામાં જમ્મુ કાશ્મીર પોલીસના પરિવાર રહે છે. અહીં પહેલાથી જ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુત્રોનું કહેવું છે કે, જૈશે મોહમ્મદના ત્રાસવાદીઓ સુરક્ષા દળોને થાપ આપીને ઘુસી ગયા બાદ ખતરા દેખાઈ રહ્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, જૈશે મોહમ્મદના ૧૧ આત્મઘાતી હુમલાખોરો પૈકીના આઠ ત્રાસવાદીઓ ખીણ અથવા તો પંજાબમાં હજુ છુપાયેલા છે અને આ ત્રાસવાદીઓ સેના, સીઆરપીએફ, જમ્મુ કાશ્મીર પોલીસને ટાર્ગેટ બનાવી શકે છે.
આના કારણે જોરદાર ખતરો તોળાઈ રહ્યો છે. સુરક્ષા દળોને ખુબ સાવધાનીપૂર્વક હાલમાં આગળ વધવાની જરૂરીયાત દેખાઈ રહી છે. જમ્મુ કાશ્મીર અને પંજાબમાં પહેલાથી જ ત્રાસવાદીઓ હુમલા કરતા રહ્યા છે. આવી સ્થિતિમાં વધુ હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. મૌલાના મસુદ અઝહર મોટા હુમલાને અંજામ આપવા માટે પોતાના સાગરિતોને કડક સુચના આપી ચુક્યો છે.ત્રાસવાદી હુમલાના ખતરા હાલમાં કાશ્મીરમાં જુદા જુદા ઘટનાક્રમના દોર વચ્ચે જારી છે. ત્રાસવાદી પાકિસ્તાનમાં વધારે સક્રિય દેખાઇ રહ્યા છે.