મુંબઇ : આઈએનએક્સ મિડિયા મામલામાં ફસાયેલા પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમની ધરપકડને લઇને ઇન્દ્રાણી મુખર્જીએ સંતોષની લાગણી વ્યક્ત કરી છે. ઇન્દ્રાણી મુખર્જીએ કહ્યું છે કે, ચિદમ્બરમની ધરપકડ તેમના માટે સારા સમાચાર છે. ગુરુવારના દિવસે મિડિયા દ્વારા આ મામલા પર પ્રશ્ન કરવામાં આવ્યા બાદ મુખર્જીએ કહ્યું હતું કે, ચિદમ્બરમની ધરપકડ તપાસના ભાગરુપે સારા સમાચાર તરીકે છે. આઈએનએક્સ મિડિયા મામલામાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને સીબીઆઈએ ૨૨મી ઓગસ્ટના દિવસે નાટ્યાત્મક ઘટનાક્રમ બાદ પકડી લીધા હતા.
આ પહેલા સીબીઆઈ અને ઇડીએ આઈએનએક્સ મિડિયાના પ્રમોટર ઇન્દ્રાણી મુખર્જી અને તેમના પતિ પીટર મુખર્જીના નિવેદનના આધાર પર ચિદમ્બરમ પર સકંજા મજબૂત કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, ઇન્દ્રાણી મુખર્જી પોતાની પુત્રી શિના બોરાની હત્યાના મામલામાં જેલમાં છે. આ કેસ સાથે સંબંધિત સુનાવણી માટે ગુરુવારના દિવસે કોર્ટ પહોંચેલા મુખર્જીએ પત્રકારો સાથેની વાતચીતમાં ચિદમ્બરમની ધરપકડને લઇને પ્રશ્નો કર્યા હતા.
આના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, ચિદમ્બરમની ધરપકડ થઇ ચુકી છે. ઇડીની પુછપરછમાં ઇન્દ્રાણીએ કહ્યું હતું કે, ચિદમ્બરમે તેમના પતિ પીટરને કહ્યું હતું કે, એફઆઈપીબીની મંજુરીના બદલે તેમને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની બિઝનેસમાં મદદ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ નિવેદનને ઇડીએ ચાર્જશીટમાં દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કોર્ટમાં આને પુરાવા તરીકે રજૂ કરવામાં આવી ચુક્યા છે. ઇન્દ્રાણીએ ઇડીને કહ્યું હતું કે, કાર્તિએ તેમની અને પીટરની મુલાકાત દિલ્હીની એક હોટલમાં થઇ હતી. કાર્તિને આ મામલાને ઉકેલવા માટે ૧૦ લાખ રૂપિયાની લાંચની માંગ કરી હતી. આઈએનએક્સ મિડિયા કેસમાં ચિદમ્બરમની મુશ્કેલી હાલ ઓછી થાય તેમ દેખાતુ નથી.