નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફિટ ઇન્ડિયા મુવમેન્ટની રોમાંચક વાતાવરણમાં શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે મોદીએ પ્રેરક સંબોધન કરીને આરોગ્યને લઇને વિવિધ મુદ્દા ઉપર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ભારતને હેલ્થી ફ્યુચર તરફ દોરી જશે. હાલના સમયમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટની જરૂર દેખાઈ રહી છે. રંગીન કાર્યક્રમ વેળા જુદા જુદા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. સ્વદેશી માર્શલ આર્ટના સ્વરુપ, ડાંસ અને રમત-ગમતની રજૂઆત કરવામાં આવી હતી. મોદીએ કહ્યું હતું કે, ટેકનોલોજીના કારણે કેટલીક તકલીફો પણ આવી રહી છે. મોદીએ આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, ફિટનેસ ઝીરો પર્સેન્ટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી સંખ્યામાં રમતવીરોની હાજરીમાં આજે ફિટ ઇન્ડિયા મુવમેન્ટની શરૂઆત કરાવી હતી. જેનો ઉદ્ધેશ્ય લોકોને ફિટ રહેવા માટે જાગૃત કરવાનો છે.
કાર્યક્રમમાં મોદીએ કહ્યુ હતુ કે ખેલના સીધા સંબંધ ફિટનેસ સાથે જોડાયેલા છે. ફિટનેસ માત્ર એક શબ્દ નથી બલ્કે સ્વસ્થ જીવનની શરત તરીકે છે. ૨૯મી ઓગષ્ટના દિવસને ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરકે પણ મનાવવામાં આવે છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં ઉદ્યોગજગત, ફિલ્મો, ખેલજગતના તમામ લોકો સામેલ થઇ રહ્યા છે. મોદીએ કહ્યુ હતુ કે પહેલા લોકો ૮-૧૦ કિલોમીટર ચાલતા જતા હતા. પરંતુ આજે ટેકનોલોજીના કારણે અમે એવા ફસાયા છીએ કે હવે ટેકનોલોજીની મદદથી જાણવા મળે છે કે અમે કેટલા પગલા ચાલી ગયા છીએ. ખેલાડીઓના મેડલ ભારતના આત્મવિશ્વાસને સ્પષ્ટરીતે રજૂ કરે છે.
આના કારણે નવી પેઢીને પ્રેરણા મળે છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટની શરૂઆત કરાવતા મોદીએ કહ્યુ હતુ કે તમામની અંદર હજુ વિદ્યાર્થીઓ જીવિત છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં સામેલ થવા માટે કેન્દ્રિયપ્રધાન રિજ્જુએ અપીલ કરી હતી.હાલમાં મન કી બાત કાર્યક્રમમાં પણ મોદીએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટને લઇને ચર્ચા કરી હતી. અભિયાનને આગળ લઇ જવા માટે જુદા જુદા મંત્રાલયનો સાથ લેવામાં આવનાર છે. મોદીએ કહ્યુ હતુ કે આજે ભારતમાં ડાયાબિટીસ, હાઇપરટેન્સન જેવી અનેક લાઇફસ્ટાઇલ બિમારી થયેલી છે. આપની આસપાસ જ આવા રોગથી ગ્રસ્ત લોકો મળી જશે. પહેલા ૫૦-૬૦ની વય બાદ અટેક આવતા હતા. હવે ૩૫-૪૦ વર્ષની વયમાં પણ અટેક આવી રહ્યા છે. આજે લાઇફસ્ટાઇલ ખરાબ થવાના કારણે સમય કરતા પહેલા લોકોના મૃત્યુ થઇ રહ્યા છે.