કિંગસ્ટન : ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ આવતીકાલથી કિંગસ્ટન ખાતે શરૂ થઇ રહી છે. આને લઇને ભારતીય ટીમ સંપૂર્ણંપણે તૈયાર છે. પ્રથમ ટેસ્ટ મેચ ૩૧૮ રને જીતી લીધા બાદ ભારતીય ટીમ આ ટેસ્ટ મેચ જીતીને વિન્ડીઝ સામે વધુ એક ટેસ્ટ શ્રેણી જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.બીજી બાજુ પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ વિન્ડીઝ ઘરઆંગણે તેના દેખાવને સુધારવા માટે દબાણ હેઠળ છે. મેચ રોમાંચક બની શકે છે. પ્રથમ ટેસ્ટમાં ભારતીય બોલરો અને ખાસ કરીને જશપ્રીત બુમરાહે જોરદાર તરખાટ મચાવ્યો હતો.
ટીમ ઇન્ડિયા વર્ષ ૨૦૦૬ બાદથી વિન્ડિઝમાં સતત ત્રણ વખત ટેસ્ટ શ્રેણી જીતી ચુકી છે. સતત ત્રણે ટેસ્ટ શ્રેણી જીતી ગયા બાદ કેરિયબિન ભૂમિ પર સતત ચોથી શ્રેણી જીતવા માટે ભારતીય ટીમ સજ્જ છે. હાલમાં જ વનડે શ્રેણીમાં બે સદી ફટકારીને ફોર્મની સાબિતી આપી ચુકેલા વિરાટ કોહલી ટેસ્ટ શ્રેણીમાં એક સદી ફટકારશે તો દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી સ્મિથના સદીના રેકોર્ડને તોડી નાંખશે. હજુ સુધી સ્મિથ અને વિરાટ કોહલીની ૨૫-૨૫ સદી છે. ભારતીય ટીમે છેલ્લે ૨૦૧૬માં વેસ્ટઇન્ડિઝના મેદાન ઉપર ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી હતી.આ વખતે પણ શ્રેણી ૨-૦થી જીતવા માટેની તક રહેલી છે. ૨૦૦૨ સુધી વેસ્ટઇન્ડિઝે પોતાના ઘરમાં જારદાર દેખાવ જારી રાખીને ભારતીય ટીમને ક્યારે પણ ટેસ્ટ શ્રેણી જીતવાની તક આપી ન હતી પરંતુ ૨૦૦૨ બાદ ઘરઆંગણે વેસ્ટઇન્ડિઝની ટીમ પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. બંને વચ્ચે ૧૯૫૨-૫૩માં ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઇ હતી.
ત્યારબાદથી લઇને હજુ સુધી બંને દેશો વચ્ચે અનેક ટેસ્ટ શ્રેણીનું આયોજન વિન્ડિઝ કરવામાં આવ્યું છે. ૧૧ ટેસ્ટ શ્રેણીનું આયોજન કેરેબિયન મેદાનમાં કરવામાં આવ્યું છે જે પૈકી ભારતે છેલ્લી ત્રણ ટેસ્ટ શ્રેણી જીતી છે. ૨૦૦૬માં ૧-૦થી, ૨૦૧૧માં ૧-૦ અને ૨૦૧૬માં ૨-૦થી ભારતે ટેસ્ટ શ્રેણી જીતી હતી. એન્ટીગુઆ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે રેકોર્ડ જીત મેળવીને ઇતિહાસ સર્જી દીધો હતો. ભારત તરફથી જશપ્રીત બુમરાહની ખતરનાક બોલિંગ સામે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ ટકી શક્યા ન હતા. વિન્ડીઝે એક પછી એક વિકેટ નિયમિત ગાળામાં ગુમાવી દીધી હતી. બુમરાહે સાત રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.આની સાથે જ વિદેશી ધરતી પર ભારતે આ સૌથી મોટી જીત મેળવી હતી. રહાણેની શાનદાર સદી અને ત્યારબાદ બુમરાહની ઘાતક બોલિંગની સહાયથી ભારતે જીત મેળવી હતી. વિન્ડીઝની સામે ભારતે હજુ સુધી કુલ ૯૭ ટેસ્ટ મેચોમા ૨૧માં જીત મેળવી છે. જો કે વિન્ડીઝની ટીમ આંકડામાં હજુ પણ ભારતથી ખુબ આગળ છે.