નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે કહ્યું હતું કે, ૩૬.૯૫ અબજ રૂપિયાના બેંક લોન ફ્રોડના મામલામાં કાનપુર સ્થિત રોટોમેક ગ્રુપ સામે તેની ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના ભાગરુપે ૧.૭૭ અબજ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે. એજન્સીનું કહેવું છે કે, પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગઇકાલે પ્રોવિઝનલ આદેશ સંપત્તિ જપ્ત કરવા માટે જારી કરવામાં આવ્યો હતો. એમએસ રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડની માલિકીની તથા તેના ડિરેક્ટરોની સંપત્તિ જપ્ત કરવા માટે આદેશ જારી કરવામાં આવી ચુક્યો છે. કાનપુર, દહેરાદૂન, અમદાવાદ, ગાંધીનગર, મુંબઈમાં સ્થિત તેના ડિરેક્ટરોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ સંપત્તિનો આંકડો ૧.૭૭ અબજ રૂપિયાનો રહેલો છે.
એવો આક્ષેપ પણ કરાયો છે કે, મની લોન્ડરિંગના ગેરકાયદે કૃત્યના ગુનાના મામલામાં આ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ઇડીની તપાસમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે, રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ ખરીદદારો અને વેચનારાઓની સંખ્યા મર્યાદિત કરવાની સાથે કારોબારમાં ગેરરીતિ આચરી રહ્યા હતા અને સાથે સાથે ડિસ્કાઉન્ટેડ એલસી મેળવી રહ્યા હતા. તેનો ઉપયોગ વિદેશથી લાભ મેળવવા માટે કરવામાં આવી રહ્યો હતો. ઇડીએ ફેબ્રુઆરી મહિનામાં પીએમએલએ હેઠળ એક ફોજદારી કેસ દાખલ કર્યો હતો. સીબીઆઈએ એફઆઈઆરના આધાર પર આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કંપનીના ડિરેક્ટર અને માલિક વિક્રમ કોઠારી, તેમના પત્નિ સાધના કોઠારી, પુત્ર રાહુલ કોઠારી અને વણઓળખાયેલા બેંક અધિકારીઓની સામે સીબીઆઈ-ઇડી દ્વારા કેસ દાખલ કરાયો હતો. બેંક ઓફ બરોડા તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
બેંક ઓફ બરોડા દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, કાવતરાખોરોએ બેંકોના કન્સોર્ટિયમ સાથે છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડીનો આંકડો ૩૬.૯૫ અબજ રૂપિયાનો છે. આ મામલામાં પ્રિન્સિપાલ એમાઉન્ટનો આંકડો ૨૯.૧૯ રૂપિયાનો છે. કાનપુર સ્થિત રોટોમેક ગ્રુપ સામે તપાસ વધુ તીવ્ર કરવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. ૩૬.૯૫ અબજની બેંક લોન છેતરપિંડી જાવા મળી રહી છે. તપાસ સંસ્થાઓ દ્વારા આગામી દિવસોમાં મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઉંડી તપાસ કરીને રોટોમેક ગ્રુપની અન્ય સંપત્તિ શોધી કાઢવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. સીબીઆઈ અને ઇડી દ્વારા કંપનીના ડિરેક્ટરો અને અન્યો સામે કેસ દાખલ કર્યો છે.