ગોવર્ધનધારી એટલે કૃષ્ણ. દ્વારકાનો નાથ એટલે કૃષ્ણ. ગોપીઓનો પ્યારો અને યશોદાનો લાડકવાયો એટલે કૃષ્ણ. ન ભૂતો ન ભવિષ્યતિ એટલે કૃષ્ણ. કૃષ્ણને કેટકેટલાય વિશેષણો અપાયાં છે, પરંતુ એ બધામાંથી વ્યાજબી કેટલાં? ભગવાન તરીકે અવતાર લઈ પર્વત ઉપાડી લેવો, રસ્તે ચાલતી ગોપીને હેરાન કરવું, તળાવમાં જઈ નાગદમન જેવી લીલાઓ કરવી ખૂબ જ સરળ કેહવાય. ચપટી વગાડવા જેટલું સેહલું કામ છે આ તો કૃષ્ણ માટે. અને તોય વળી આવા ભારે ભરખમ વિશેષણો હકથી અપાય છે. કદાચ એટલે કે એ પુરુષના સ્વરૂપમાં હતા. શું એક સ્ત્રી સ્વરૂપે એમને આ બધું મળ્યું હોત?
ચાલો ઘડીભર વિચારી લઈએ કે કૃષ્ણ એ સ્ત્રી હોય તો શું થાય! સૌ પ્રથમ તો એમનો જન્મ જ પ્રશ્નાર્થ ચિહ્ન બની રહે. દીકરી સાપનો ભારો, દૂધપીતી, વગેરે જેવા રિવાજોથી એમનું યુદ્ધ શરૂ થઈ જાય. ત્યારબાદ વિજય પામી નામકરણ સુધી પોહચે અને માતા પિતા ખૂબ પ્રેમથી એનું નામ કૃષ્ણા અથવા તો બીજું કંઈ પાડ્યું હોત.બાળપણમાં માખણ ચોરવાને બદલે માતા યશોદા એમને માખણ ઉતારતા શીખવાડતા હોત અને વળી કહેતા હોત કે સરખું સિખ નહીં તો તારી સાસુ મેણાં મારશે કે માં એ કઈ શીખવાડ્યું નથી. બેટ દડે તો રમવું જ ક્યારે? વાસીદું, વૈતરું, દનૈયું, વગેરે કામમાંથી ઉંચા આવે તો રમવા જાઈ ને! ભણવા માટે પણ શું કામ મોકલે અંતે તો રસોડું જ સાચવવાનું છે. પછી સુદામા તો ચિત્રમાં જ આવવાથી રહ્યો. રસ્તે જતી ગોપીની સાથે પછી કૃષ્ણા પણ મટુકી લઈ ઠુમક ઠુમક ચાલતી હોત એમાં મટકી કેમ ફોડવું? અને ગોપીઓ યશોદાને કંઇક આવી ફરિયાદ કરેત કે તમારી કૃષ્ણા પાણી ભરાવાને બહાને પેલા રાધે જોડે લીલાઓ કરે છે. અને આ સાંભળી ભાઈ બલરામને પારો ચડી જાય. પાણી ભરવા જવાનું બંધ. દીકરી તો પોતાના ઘરે જ શોભે કરીને લગ્ન માટે નંદજી મુરતિયો શોધી કાઢે. પછી શું? પરણીને કૃષ્ણા ચાલી જાય સાસરે. રાધે જોડે પ્રેમ લગ્ન થવાથી રહ્યાં. એના મિત્રો, સખીઓ અને મમતાની મૂર્તિ રહી જાય ગોકુળમાં. પટરાણી બનેલી કૃષ્ણા બસ પછી આદર્શ રાણી અને આદર્શ પત્ની બનવાનાં પ્રયત્નો કરતી સાસુ વહુના સંબંધમાં અને વહેવારમાં અટવાઈ હોત.એમાં બિચારીને પ્રેમ પત્ર લખવાનો સમય ક્યાં મળે. ભૂલેચૂકે પણ પોતાના ધણી (બીજા કોઈ સાથે જાઈ તો લોકો શું વાતું કરે) સાથે રણભૂમી પર પગ મૂકી દે તો ચોક્કસ ગીતામાં એક અધ્યાય તો નારી સશક્તિકરણનો ઉમેરવો પડે. અને એ છાપવાનો ખર્ચો વધી જતો હતો એટલે કૃષ્ણએ પુરુષ સ્વરૂપ પસંદ કર્યું. આટલી જંઝટમાં એમના જીવનનો મુખ્ય હેતુ ક્યાઈ બાજુમાં પડ્યો રહે.
આ તો માત્ર મારી નવરાશના સમયની કલ્પના હતી. કૃષ્ણ એ તો પરમ સત્ય છે. એને આ જાત, નાતના વાડામાં જકડી શકાય નહીં. કૃષ્ણ, ન ભૂતો ન ભવિષ્યતિ છે અને રેહશે. એ જે છે, જેમ છે, જ્યાં છે, એ જ રીતે મને અને તમને પૂંજવા ગમે છે.
પ્રિયલ નાકરાણી વસોયા
નોંધઃ પ્રસ્તુત લેખમાં રજૂ કરાયેલ તમામ તારણો અને વિચારો લેખકને સ્વાધિન છે.