” કર્મણા એવ હિ સંદિધ્ધિમ આસ્થિતા: જનકાદય:II
લોકસંગ્રહમ એવ અપિ સંપશ્યન કર્તુમ અર્હસિ II ૩/૨૦ II
અર્થ –
” જનક આદિ રાજાઓએ પણ કર્મથી જ સિધ્ધિ પ્રાપ્ત કરેલી છે,તે પ્રમાણે લોક સંગ્રહ તરફ નજર કરી તારે પણ કર્મ કરવાં ઘટે છે. ”
જનક જેવા મહાંરાજાઓએ પણ પોતાની જનતા-પ્રજાને ધ્યાનમાં રાખીને જ પોતાનાં કર્મ કરેલ છે. તેમણે પોતાના જીવનમાં જે સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે તે તેમનાં સત્કર્મો દ્વારા કરેલ છે. રાજા ઉત્તમ ક્યારે કહેવાય ? તે જો પોતાની પ્રજાનું હિત અને કલ્યાણ ધ્યાનમાં રાખે તો. અને જો ન રાખે તો તે ધીમે ધીમે પ્રજામાં અપ્રિય થઇ જાય છે અને તે રીતે કરતાં આગળ જતાં તેને શાસન ગુમાવવાનો વારો પણ આવી શકે છે. એટલે હે અર્જુન તારે આમાંથી બોધ લઇને એક કુશળ રાજાને છાજે તેવાં કર્મ કરવાનાં છે અને એવાં કર્મ જ તને જીવનમાં સફળતા કે મોટી સિધ્ધિઓ અપાવશે.
તારે જે કંઇ કરવાનું છે તે તારા લોકો માટે જ કરવાનું છે. તારી પ્રજાની અપેક્ષાઓ શું છે ? તે સમજીને જ તારે આ યુધ્ધરૂપી કર્મમાં અવશ્ય રીતે જોડાવાનું જ છે. દરેક મનુષ્યે પણ પોતાના લોકો માટે થઇને જે જરૂરી છે તેવી સિધ્ધિઓ મેળવવા માટે તેમના ભાગે આવેલ યુધ્ધરૂપી કર્મ બજાવવું જ જોઇએ. ભગવાને તો તે સમયે અર્જુનજીને માત્ર જનકનો જ દાખલો આપેલ પરંતુ આજે તો આપણી પાસે મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી કે એવા બીજા ઘણા બધા રાજવીઓ અને મહાપુરુષોનાં ઉદાહરણો મોજૂદ છે તો તેમણે કરેલ શ્રેષ્ઠ આચરણોને પણ આપણે ધ્યાનમાં લઇને ઉત્તમ કર્મ કરીને ઉત્તમ સિધ્ધિઓ જરૂર પ્રાપ્ત કરી શકીશુ.
- અનંત પટેલ