નવી દિલ્હી : દેશના પાંચથી વધુ રાજ્યોમાં હાલમાં ભારે વરસાદ અને પુરના કારણે હાલત કફોડી બનેલી છે જેમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, કેરળ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. બચાવ અને રાહત કામગીરી પણ ચાલી રહી છે. ઉત્તરીય રાજ્યોમાં ભારે વરસાદના કારણે વધુ ૫૮ લોકોના મોત થઇ ચુક્યા છે જેથી મોનસુની વર્તમાન સિઝનમાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. દિલ્હીમાં યમુના નદીમાં પાણીની સપાટી ખતરનાક સ્તર પર પહોંચી ચુકી છે જેના લીધે પાટનગર દિલ્હીમાં નિચાણાવાળા વિસ્તારમાં રહેતા ૧૦૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે.
બીજી બાજુ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મોટી સંખ્યામાં મકાનો પાણીમાં તણાઈ ગયા છે. હિમાચલ, ઉત્તરાખંડ અને પંજાબમાં ભેખડો ધસી પડવાના નવા બનાવો બન્યા છે. ઉત્તરાખંડમાં સ્કુલોને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે પુરની પરિસ્થિતિને કુદરતી હોનારત તરીકે જાહેર કરી દીધી છે. મુખ્યમંત્રી અમરિન્દરસિંહે પંજાબમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧૦૦ કરોડ રૂપિયા ફાળવી દીધા છે. બીજી બાજુ કેરળમાં પુરની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે.
મુખ્યમંત્રી દ્વારા નેશનલ ડિઝાસ્ટરમાંથી ૪૪૩૨ કરોડ રૂપિયા ફાળવી દીધા છે. હિમાચલ પ્રદેશમાં પણ અનેક વિસ્તારોમાં સ્થિતિમાં સુધારો થયો નથી. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં હાલ ભારે વરસાદના લીધે નુકસાન અભૂતપૂર્વ રહ્યું છે. કેન્દ્ર સરકાર પણ તમામ પ્રકારની સહાયતા આપવાની જાહેરાત કરી ચુકી છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં હાલમાં અતિભારે વરસાદના કારણે ભારે નુકસાનની સાથે સાથે જનજીવન પણ ખોરવાયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસ ચાલી છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અટવાયા છે.