હૈદરાબાદ : ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ ચંદ્રયાન-૨ની સફળ લોન્ચિંગના ૨૯ દિવસ બાદ આજે ચન્દ્રયાન-૨ ચન્દ્રની કક્ષામાં પ્રવેશ કરી જતા ભારતે વધુ એક મોટી સિદ્ધી મેળવી લીધી છે. ચંદ્રની સીડી ઉપર ચઢીને અંતરિક્ષ પર જીત મેળવવાની ચાહત ધરાવનાર દુનિયાભરના મોટા દેશ હવે એક એવી સ્પેસ રેસની દિશામાં આગળ વધી ગયા છે જેના આગામી ૨૦૦ વર્ષ સુધી જારી રહેવાની શક્યતા છે. કોલ્ડવોરથી અલગ આ પ્રકારની સ્પર્ધાના ખેલાડી વધારે શક્તિશાળી અને અતિઆધુનિક ટેકનોલોજીથી સજ્જ રહેશે.
૨૧મી સદીની આ સ્પેસ રેસમાં અમેરિકા અને રશિયા જેવા પરંપરાગત ખેલાડીઓની સાથે ચીન અને ભારત જેવા નવા ખેલાડી પણ મેદાનમાં છે જેના કારણે સ્પર્ધા વધારે રોમાંચિત બની ગઈ છે. ભારત માટે અનંત અંતરિક્ષમાં આગળના દરવાજા પણ ખુલી ગયા છે. આજથી ૫૦ વર્ષ પહેલા એટલે કે ૨૦મી જુલાઈ ૧૯૬૯ના દિવસે અપોલો મિશન મારફતે અમેરિકાએ પ્રથમ વખત ચંદ્ર ઉપર પ્રવેશ કરીને વિશ્વભરમાં ડંકો વગાડ્યો હતો. ત્યારબાદ ૨૦૦૩માં ચીને માનવયુક્ત મિશન મોકલીને સફળતા મેળવી હતી. સ્પેસમાં દાવેદારીના કારણે ચીન પણ આજે શક્તિશાળી છે. ચન્દ્રયાન-૨ ચન્દ્રની કક્ષામાં પ્રવેશ કરી જતા દુનિયાના દેશોની નજર હવે કેન્દ્રિત થઇ છે.