નવી દિલ્હી : દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૭૫મી જન્મજ્યંતિ નિમિત્તે આજે દેશના લોકોએ તેમને યાદ કર્યા હતા. સાથે સાથે દેશના જુદા જુદા ભાગમાં વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજીવ ગાંધીની જન્મ જયંતિ પર કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, ઉપપ્રમુખ રાહુલ ગાંધી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને અન્યોએ તેમની સમાધીના સ્થળ વીર ભૂમિ પર જઇને શ્રદ્ધાંજલિ આપી હતી. દરમિયાન રાજીવ ગાંધીની ૭૫મી જન્મજ્યંતિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને યાદ કર્યા હતા અને તેમના દેશને યોગદાનની પ્રસંશા કરી હતી. ટવિટર પર મોદીએ રાજીવ અને તેમના યોગદાનને યાદ કરીને અંજલિ આપી હતી. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને રાહુલ ગાંધીએ પણ તેમના સમાધી પર જઇને શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા. આજે દેશભરમાં વિવિધ કાર્યક્રમ યોજીને તેમને યાદ કરવામાં આવ્યા છે.
રાજીવ ગાંધીનો જન્મ ૨૦મી ઓગષ્ટના દિવસે ૧૯૪૪ના દિવસે થયો હતો. વર્ષ ૧૯૮૪ના દિવસે ઇન્દિરાગાંધીની હત્યા કરવામાં આવ્યા બાદ રાજીવ ગાંધી ભારે બહુમતિ સાથે જીતી ગયા હતા. ત્યારબાદ તેઓ દેશના સાતમા વડાપ્રધાન બન્યા હતા. એ વખતે તેમની વય ૪૦ વર્ષની હતી.દેશના સૌથી નાની વયમાં તેઓ વડાપ્રધાન બન્યા હતા. રાજીવ ગાંધીના લગ્ન વર્ષ ૧૯૬૮માં સોનિયા ગાંધી સાથે થયા હતા. સોનિયા ગાંધી ઇટાલીમાં રહેતા હતા. એ વખતે તેમનુ નામ એન્ટોનિયા માઇનો હતુ. ત્યારબાદ લગ્ન બાદ નામ બદલી દેવામાં આવ્યુ હતુ.
૨૧મી મે ૧૯૯૧ના દિવસે તમિળનાડુના શ્રીપેરંબદુરમાં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાં રાજીવ ગાંધીનુ મોત થયુ હતુ. રાજીવ ગાંધી ચૂંટણી પ્રચાર માટે ગયેલા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. એલટીટીઇના બોમ્બરો દ્વારા તેમના પર હુમલા કરવામાં આવ્યો હતો. જેના કારણે દેશમાં ખળભળાટ મચીગયો હતો. રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપનારમાં રાહુલ ગાંધીનો પણ સમાવેશ થાય છે. રાહુલ ગાંધીએ પણ વીરભૂમિ પર જઇને શ્રદ્ધાંજલિ આપી હતી. અન્ય રાજકીય પાર્ટીના નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી.