શું તમે જાણો છો કે સ્ટીફન 21 વર્ષના હતા ત્યારે ડૉક્ટરોએ કહ્યું હતું કે તે હવે ફક્ત બે વર્ષ જીવશે. પોતાના શરૂઆતના જીવનમાં જ દુર્લભ બીમારીને હરાવનારા એવા ભૌતિક વિજ્ઞાની સ્ટીફન હૉકિંગનું નિધન આજ રોજ ૭૬ વર્ષની આયુએ થયું. બ્રહ્માંડના રહસ્યો સમજવામાં હૉકિંગે લોકોને મદદ કરી. હૉકિંગનું જીવન પણ તેમણે કરેલી શોધની જેમ અચંબિત કરનારું રહ્યું.
1974માં સ્ટીફન હૉકિંગે દુનિયાને પોતાની સૌથી મહત્વની શોધ ‘બ્લેક હોલ’ થિયરી વિશે જણાવ્યું. હૉકિંગ કહ્યું કે, બ્લેક હોલ ક્વૉન્ટમ પ્રભાવોના કારણે ગરમી ફેલાવે છે. શોધના પાંચ વર્ષ પછી જ હૉકિંગ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર બન્યા. આ એ જ પદ હતું જેના પર ક્યારેક વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈનની નિયુક્તિ થઈ હતી.
હૉકિંગને 21 વર્ષની ઉંમરે Amyotrophic Lateral Sclerosis (ALS) નામની ગંભીર બીમારી થઈ. આ બીમારીના કારણે ધીમે-ધીમે તેમના શરીરે કામ કરવાનું બંધ કરી દીધું. સ્ટીફન જ્યારે ઑક્સફર્ડમાં ફાઈનલ વર્ષમાં ભણતા હતા ત્યારે જ તેમને પગથિયા ચડવામાં મુશ્કેલી થતી હતી. ધીરે-ધીરે આ સમસ્યા એટલી વધી કે તેમને બોલવામાં તકલીફ થવા લાગી. ડૉક્ટર્સે ત્યારે જ તેમને કહ્યું હતું કે તે ફક્ત બે વર્ષ સુધી જીવશે. જો કે આ દાવાને ખોટો સાબિત કરતાં હૉકિંગે પોતાનું રિસર્ચ ચાલુ રાખ્યું. હૉકિંગ હરીફરી નહોતા શકતા અને હંમેશા વ્હીલચેર પર રહેતા હતા. તે કમ્પ્યૂટર અને તમામ યંત્રોની મદદથી જ પોતાના શબ્દો વ્યક્ત કરતા હતા. હૉકિંગે આ જ રીતે અને સફળ ભૌતિક પ્રયોગો કર્યા છે.
સ્ટીફને સ્વર્ગની પરિકલ્પનાને નકારતાં તેને અંધારાના ડરની એક વાર્તા ગણાવી હતી. હૉકિંગે કહ્યું હતું કે આપણું મગજ એક કમ્પ્યૂટરની જેવું છે, જ્યારે તેના પાર્ટ્સ ખરાબ થઈ જશે ત્યારે તે કામ કરવાનું બંધ કરી દેશે. ખરાબ થયેલા કમ્પ્યૂટર માટે સ્વર્ગ અને તેના પછીનું જીવન નથી. સ્વર્ગ અંધારાથી ડરતાં લોકો માટે બનાવાયેલી એક વાર્તા માત્ર છે.
1998માં સ્ટીફન હૉકિંગનું પુસ્તક ‘અ બ્રીફ હિસ્ટ્રી ઑફ ટાઈમ’એ વિશ્વમાં ચર્ચા જગાવી હતી. આ પુસ્તકમાં તેમણે બ્રહ્માંડના વિજ્ઞાનના ‘બીગ બેંગ થિયરી’ અને ‘બ્લેક હોલ થિયરી’ જેવા અઘરા વિષયોને ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યા હતા. આ પુસ્તકની ઘણી નકલો વેચાઈ હતી. જો કે, આ પુસ્તકનો વિરોધ પણ થયો હતો કારણકે સ્ટીફને આ પુસ્તકમાં ઈશ્વરના અસ્તિત્વને નકાર્યું હતું. જે રીતે ધરતી પર વસ્તી વધી રહી છે અને ઉર્જા સ્ત્રોતોનો વપરાશ વધી રહ્યો છે તે જોતા સ્ટીફને ગયા વર્ષે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો આવું જ રહ્યું તો 600 વર્ષથી પણ ઓછા સમયમાં ધરતી આગનો ગોળો બની જશે.
સ્ટીફન હૉકિંગની પીએચડી થીસિસને સાર્વજનિક કર્યાના થોડા જ દિવસોમાં દુનિયાના 20 લાખથી વધુ લોકોએ જોઈ હતી. 1996માં તૈયાર કરેલી થીસિસ એટલી લોકપ્રિય થઈ કે તેને વેબસાઈટ પર મૂક્યા બાદ કેમ્બ્રિજ યુનિવર્સિટીની વેબસાઈટ ઠપ્પ થઈ ગઈ હતી.
હૉકિંગની ઈચ્છા એક ટાઈમ મશીન બનાવવા માગતા હતા. હૉકિંગે એકવાર કહ્યું હતું કે તેમની પાસે જો ટાઈમ મશીન હોત તો તે હૉલિવુડની સૌથી ખૂબસૂરત અભિનેત્રી ગણાતી મર્લિન મુનરોને મળવા જાત. 1974માં હૉકિંગે લિટરેચરની સ્ટુડંટ જેન વિલ્ડ સાથે લગ્ન કર્યા હતા. જો કે, બંનેએ ત્રણ બાળકો જન્મ થયા બાદ 1999માં છૂટાછેડા લઈ લીધા. જે બાદ હૉકિંગે બીજા લગ્ન કર્યા.