અમદાવાદ : આજના આધુનિક અને કોમ્પ્યુટર, મોબાઇલ અને સોશ્યલ મીડિયાના જમાનામાં બાળકો જયારે હાથમાંથી મોબાઇલ છોડવાનું નામ નથી લેતા ત્યારે શહેરના એક ૧૩ વર્ષીય બાળકે પોતાના જન્મદિનની ઉજવણી શહેરના જાહેરમાર્ગ પર ૧૩ સુંદર વૃક્ષો વાવીને કરી હતી. વિદ્યાર્થીના આ બહુ પ્રેરણારૂપ અને ઉમદા કાર્યમાં તેની માતાએ પણ પૂરતો સહયોગ આપ્યો હતો. ૧૩ વર્ષીય બાળક અને તેની માતા દ્વારા બર્થ ડેના દિવસે જ ૧૩ વૃક્ષો ઉગાડીને સમાજના અન્ય લોકોને પણ અનોખી પ્રેરણા પૂરી પાડી હતી.
શહેરના ગુલાબ ટાવર વિસ્તારમાં ન્યુ નૈમેષ પાર્ક સોસાયટી ખાતે રહેતાં અમીબહેન ભાગ્યેશ પટેલ અને તેમનો પુત્ર રાહીલ (ઉ.વ.૧૩) શહેરના એઇસી ચાર રસ્તા રીંગરોડ નીચેના રસ્તાથી દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર વિવેકાનંદ ચોક,મેમનગર સુધી ભરબપોરે જાહેરમાર્ગ પરના ડિવાઇડર વચ્ચે વૃક્ષો વાવવા નીકળ્યા હતા. જાહેરમાર્ગ પરથી પસાર થતાં લોકો પણ આ દ્રશ્ય જાઇ કંઇક આશ્ચર્યમાં મૂકાતા હતા પરંતુ તેમની પૃચ્છા કરતાં બહુ રસપ્રદ હકીકત સામે આવી હતી.
માતા અમીબહેન પટેલે જણાવ્યું કે, તેમનો પુત્ર રાહીલ ૧૩ વર્ષનો થયો છે અને આજે તેનો જન્મદિવસ છે, તેથી તેની ઉજવણી બીજી કોઇ રીતે કરવા કરતાં જાહેરમાર્ગ પર વૃક્ષ વાવીને કરવાનું નકકી કર્યું હતું. રાહીલની ઉમંર ૧૩ વર્ષની થઇ છે, એટલે, રાહીલે આ માર્ગ પર લીમડો, આંબો, ચીકુ સહિતના ૧૩ વૃક્ષો વાવ્યા છે. વૃક્ષો ઉગાડવાનું કારણ શું તેવા પ્રશ્નના જવાબમાં અમીબહેને જણાવ્યું કે, વૃક્ષ એ શીતળ છાંયડો આપે છે અને પર્યાવરણની જાળવણી કરતાં હોઇ તેના વિના માનવજીવન શકય નથી. શહેરમાં પર્યાવરણ જાળવણી અને વાતાવરણની શુધ્ધતા જાળવવા વૃક્ષો બહુ જ આશીર્વાદરૂપ છે, તેથી લોકો પણ વૃક્ષોની વાવણી અને જતન પરત્વે જાગૃત બને તે જ હેતુ છે.
જો અન્ય શહેરીજનો અને નાગરિકો પણ આ જાગૃતિ અમલમાં મૂકે તો અમદાવાદ શહેર લીલુછમ્મ અને હર્યુભર્યુ બની રહે અને શહેરનું ગ્રીનકવર પણ વધી જાય. દરમ્યાન રાહીલે જણાવ્યું હતું કે, તેના જન્મદિવસની ઉજવણી ધમાલમસ્તીથી કરવાના બદલે તે વૃક્ષો રોપીને કરવામાં અલગ ખુશીનો એહસાસ થાય છે. વૃક્ષની વાવણી અને જતન તેને બાળપણથી જ પસંદ છે. મારી મમ્મીએ પણ મારા આ વિચારને સાર્થક કરવામાં સહાય કરી તે બહુ આનંદની વાત છે. પર્યાવરણ પ્રેમી એવા મા-દિકરાના કિસ્સા પરથી અમ્યુકો સત્તાધીશોએ ખાસ કરીને મેયર અને મ્યુનિસિપલ કમિશનરે પણ કંઇક બોધપાઠ લઇ આવા નાગરિકોનું સન્માન કરી અન્ય શહેરીજનોમાં આ બાબતે જાગૃતિ કેળવાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવું જોઇએ.