અમદાવાદ : ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજ્યંતિ છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા અને તેમના સમર્થકો દ્વારા આજે તેમને યાદ કરીને પુષ્પાંજલિ આપવામાં આવશે. દેશના હિતમાં અનેક મોટા નિર્ણયો તેમના ગાળામાં લેવામાં આવ્યા હતા જેમાં ૧૮ વર્ષની વયે મતાધિકારનો સમાવેશ થાય છે. રાજીવ ગાંધી એ વડાપ્રધાન તરીકે હંમેશા દેશના ભવિષ્યને ધ્યાનમાં રાખી ને નીતિઓ ઘડી અને મહત્વપુર્ણ નિર્ણય લીધાં. રાજીવ ગાંધીનો ૨૦ ઓગસ્ટ, ૧૯૪૪ના રોજ મુંબઇમાં જન્મ થયો હતો.
આકાશમાં ઉડાન ભરવા કોમર્શિયલ પાયલોટનું લાઇસન્સ મેળવ્યું હતું. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય વિમાની સેવા ઇન્ડિયન એરલાઇન્સના પાયલોટ બન્યા હતા. રાજીવ ગાંધી ૪૦ વર્ષની વયે ભારતના સૌથી યુવાન વડાપ્રધાન બન્યા હતા. રાજીવ ગાંધી ઉમદા અને મનોહર વ્યક્તિત્વ ધરાવતાની સાથે સહજતાથી સમાજના તમામ વર્ગોના લોકો સાથે હળી મળી જતા હતા. એક જાજરમાન માતા ઈન્દીરાજીના પુત્રની અસર પણ તેમના વ્યક્તિત્વમાં પ્રતિબિંબિત થતી હતી. દેશમાં આમૂલ પરિવર્તન લાવનારા રાજીવ ગાંધીને દેશના ઇતિહાસમાં સૌથી જંગી બહુમતી એટલે કે, લોકસભાની કુલ ૫૪૧ પૈકી ૪૧૪ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. ૩૧ ઓક્ટોબર, ૧૯૮૪ના રોજ તેમની માતાની થયેલી ક્રૂર હત્યાના કરુણ સંજોગોમાં પ્રધાનમંત્રી અને કોંગ્રેસના પ્રમુખ એમ બંને પદ સંભાળવા કોઇ પણ વ્યક્તિ માટે મુશ્કેલ બની રહે. છતાં તેમણે નોંધપાત્ર ગૌરવ અને નિયંત્રણ સાથે વ્યક્તિગત શોક અને રાષ્ટ્રીય જવાબદારીઓ એમ બંને ભારનું વહન કર્યું હતું.
રાજીવ ગાંધીના કાર્યકાળમાં નવી શિક્ષણ નીતિ દાખલ કરીને આધુનિક ભારત, સાક્ષર ભારતના માટે જરૂરી કોમ્પ્યુટર ક્ષેત્રના નિષ્ણાંતો તૈયાર કરવાનું કામ આગળ ધપાવવામાં આવ્યું. દેશમાં ગરીબ, સામાન્ય વર્ગના બાળકોને ઉત્તમ શિક્ષણ મળી શકે તે માટે જવાહર નવોદય વિદ્યાલય દેશ ભરમાં સ્થાપી પરિણામે આજે અનેક વિદ્યાર્થીઓ ગુણવત્તા સભર શિક્ષણ મેળવીને આઈઆઈટી, એન આઈટી સહિતની રાષ્ટ્રિય સંસ્થામાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ભારત દેશ માટે કામ કરી રહ્યાં છે. દેશમાં ઓરી, અછબડા, શિતળા, પોલીયો સહિતના રોગો સામેની રસી ઉપલબ્ધ ન હોવાથી રાજીવ ગાંધીએ તાત્કાલિક અસરથી વૈજ્ઞાનિકોને બોલાવીને ઘર આંગણે રસીનું ઉત્પાદન શક્ય બનાવ્યું. ત્યારબાદ રસીકરણના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમથી પોલીયોમુક્ત, શિતળામુક્ત ભારત બની શક્યું. રાજીવજીએ ટેક્નોલોજી મીશનની સ્થાપના દ્વારા તેલબીયામાં શોધ-સંશોધન, પરિણામે ઉત્પાદનમાં વધારાથી ખેડૂતો સાથે ભારતને પણ કૃષિ ક્ષેત્રે અનેક ગણો ફાયદો થઈ રહ્યો છે. શુધ્ધ પીવાનું પાણી નાગરિકોનો અધિકાર છે તે દિશામાં પણ ટેક્નોલોજીના માધ્યમ થી મોટા પાયે કામગીરી શરૂ થઈ.
રાજીવ ગાંધી વ્યક્તિ નહિ પણ વિચાર કારણ કે, રાજીવજી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી આધુનિક શિક્ષણ, કોમ્પ્યુટર શિક્ષણ, સંચારક્રાંતિ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, કોમ્પ્યુટર, તેલબીયા, રસીકરણ, શુધ્ધ પીવાનું પાણી, પર્યાવરણ સહિતના વિચારોના ર્દઢપણે અમલીકરણના કારણે આજે ભારત વિશ્વના નક્શા પર અવલ્લ નંબરે છે. જાહેર સાહસો ઉભા કરીને ભારતની તિજોરીને ફાયદો થાય તેવા વિચાર સાથે અનેક ઉદ્યોગ સાહસોનું આધુનિક ટેક્નોલોજીથી રૂપાંતર કરીને સાર્વજનિકરણ કર્યું. જેના માટે સૌ ભારતીયોને ગૌરવ છે. ૧ર, નવેમ્બર-૧૯૮૪ના રોજ રાષ્ટ્રજોગ પ્રસારણમાં રાજીવજીએ જણાવ્યું હતું કે, આપણે જેમ આજનું નિર્માણ કરીએ છીએ તેમ આવતીકાલનું નિર્માણ કરીશું.