શિમલા : હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. અનેક જિલ્લાઓમાં પુરના કારણે ગામોના સંપર્ક કપાઈ ગયા છે. પુર અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૦ લોકોના મોત થઇ ચુક્યા છે. મોટી સંખ્યામાં લોકો લાપત્તા હોવાના પણ અહેવાલ મળ્યા છે જા કે આને સમર્થન મળી રહ્યું નથી. રાજ્યના તમામ વિસ્તારોમાં ભેખડો ધસી પડવા અને નવેસરથી પુરના કારણે ૩૨૩ રસ્તાઓ અને રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા પાંચ ઉપર વાહનોની અવરજવરને રોકી દેવામાં આવી છે. હિમાચલ પ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ પુરની સ્થિતિ સર્જાયેલી છે. વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે હિમાચલમાં હિમાચલ આઠ લોકોના મોત થયા છે. શિમલામાં આરટીઓ ઓફિસની પાસે ભેખડ ધસી પડતા ત્રણ લોકોના મોત થયા છે. આ ઉપરાંત આ ઘટનામાં અન્ય કેટલાક લોકો ગંભીરરીતે ઘાયલ થયા છે. મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે જે પૈકી એક શાહઆલમ નામના શખ્સ તરીકે થઇ છે જે બિહારના કિસનગંજનો નિવાસી છે. બીજી બાજુ કુલ્લુ જિલ્લામાં રોહરુમાં ભેખડો ધસી પડવાના કારણે એકનું મોત થયું છે. વૃક્ષ ધરાશાયી થવાના લીધે બે નેપાળી નાગરિકોના મોત થયા છે. ચમ્બામાં પણ ભારે વરસાદના પરિણામ સ્વરુપે પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે.
આજે કિન્નોર જિલ્લાના રિબ્બા વિસ્તારમાં વરસાદના કારણે ભેખડો ધસી પડતા રાષ્ટ્રીય રાજમાર્ગ આઠને બંધ કરવાની ફરજ પડી છે. પ્રદેશના જુદા જુદા વિસ્તારોમાં ભેખડો ધસી પડતા ૩૨૩ રસ્તાઓ ઉપર વાહનોની અવરજવર રોકી દેવામાં આવી છે. કાંગરા જિલ્લામાં પાંચ ઇંચથી વધુ વરસાદ થયો છે જ્યારે ધર્મશાળામાં પણ પાંચ અને દલહોજી અને ચંબામાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ થયો છે. ચંબા, કાંગરા સહિતના વિસ્તારોમાં તંત્ર સંપૂર્ણપણે એલર્ટ થયું છે. બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. લાહોલ, સ્પીતી જિલ્લામાં મનાલી તરફ જતા નેશનલ હાઈવે ઉપર કોકસર પાસે પુલ ધરાશાયી થતાં વાહનોની અવરજવર રોકી દેવામાં આવી છે. મનાલી-લેહ હાઈવેને પણ બંધ કરવાની ફરજ પડી છે. ભારે વરસાદના લીધે ચંબા અને કાંગરા જિલ્લાની સ્કુલોમાં રજા જાહેર કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે.
તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં સ્થિતિમાં સુધારો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ ટુકડીઓ પહોંચી ચુકી છે. બીજી બાજુ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થયો છે. જો કે, હથનીકુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવતા દિલ્હીમાં પુરનું સંકટ સર્જાઈ રહ્યું છે. યમુના નદીમાં પાણીની સપાટી વધી રહી છે જેથી દિલ્હી સરકાર તરફથી ચેતવણી જારી કરવામાં આવી ચુકી છે. યમુના નદીની આસપાસ ન જવા માટે કહેવામાં આવ્યું છે.