કાબૂલ: અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલમાં શનિવારે મોડી રાત્રે થયેલા આત્મઘાતી હુમલામાં મોતનો આંકડો વધીને ૬૫ ઉપર પહોંચી ગયો છે. આ ઉપરાંત ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૧૮૨ દર્શાવવામાં આવી છે જે પૈકી અનેકની હાલત ગંભીર હોવાથી મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. સત્તાવારરીતે ૬૫ લોકોના મોતનો આંકડો જારી કરવામાં આવી ચુક્યો છે. હાલના સમયના સૌથી પ્રચંડ આત્મઘાતી હુમલા તરીકે આને જાવામાં આવે છે. ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ પશ્ચિમ કાબૂલના એક લગ્ન હોલમાં થયો હતો. ૧૦૦૦થી પણ વધુ લોકો લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. મૃતકોનો આંકડો મોડેથી હજુ પણ જારી કરવામાં આવનાર છે.
હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઇપણ ત્રાસવાદી સંગઠને સ્વીકારી નથી. આ બનાવ શનિવારે રાત્રે સ્થાનિક સમય મુજબ ૧૦.૪૦ વાગે અને ભારતના સમય મુજબ શનિવારે ૧૧.૪૦ વાગે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રાલયના પ્રવક્તા નુસરત રહીમીએ કહ્યું છે કે, હુમલાની જવાબદારી કોઇ સંગઠને સ્વીકારી નથી. આ વિસ્તારમાં લઘુમતિ શિયા સમુદાયના લોકો મોટી સંખ્યામાં રહે છે.
નુસરત રહીમીએ કહ્યું હતું કે, હુમલાખોરોએ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોની વચ્ચે બ્લાસ્ટ કર્યો હતો. લગ્નના સ્ટેજની પાસે જ્યાં મ્યુઝિયનો હતા ત્યાં બ્લાસ્ટ કરાયો હતો. મૃતકોમાં અનેક બાળકોનો પણ સમાવેશ થાય છે. ૮મી ઓગસ્ટના દિવસે આવો જ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. કાબૂલમાં આ મહિનામાં આ બીજા હુમલો કરાયો છે. ૮મી ઓગસ્ટના દિવસના હુમલામાં ૧૪ લોકોના મોત થયા હતા અને ૧૪૫ લોકો ઘાયલ થયા હતા. અફઘાનમાં ૨૮મી સપ્ટેમ્બરના દિવસે ચૂંટણી થનાર છે.