તાજેતરમાં સેપ્ટ યુનિવર્સિટીનાં એલ્યુમિનાઇ ધીરજ સંતદાસાની અને સહાયક પ્રોફેસર આનલ શેઠ દ્વારા બેટરીથી ચાલતી બી.આર.ટી.એસ. બસ અને સૌરઊર્જા પાવર સ્ટેશન પર પીએચ.ડી. રિસર્ચ તૈયાર કરાયું હતું. આ રિસર્ચ મુજબ ડિઝલ અને સી.એન.જી. બસોને દૂર કરીને બેટરી સંચાલિત બસો દોડાવવામાં આવે તો વર્ષ દરમિયાન ૧૨૦૦૦ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ અને ૬૦૦૦ કિલો પાર્ટિક્યુલેટ દ્રવ્ય વાતાવરણમાંથી દૂર કરી શકાય છે.
ધીરજ સંતદાતાની વર્તમાન સમયમાં યુ.કે.ની લીડ્ઝ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. જ્યાં તેમણે એસેટ મેનેજમેન્ટ વિશે એક પ્રોગ્રામ પણ તૈયાર કર્યો છે. આ બસોને ચાર્જ કરવા માટે સૌરઊર્જા ઉપયોગમાં લેવામાં આવશે. ૫૦૦ કિલો વોટ સોલાર રૃફટોપની કિંમત આશરે ૩ કરોડ જેટલી થાય છે. ૫૦૦ કિલો વોટ વીજળીથી ૧૦ બસોને ઊર્જા આપી શકાય છે. રિસર્ચમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, વર્તમાન સમયમાં અમદાવાદ બી.આર.ટી.એસ. ૨૫૦ બસનો કાફલો ધરાવે છે. જો ૧૦ ડિઝલ બસની સામે ઇલેક્ટ્રિક બસ બદલવામાં આવે તો એક વર્ષમાં ૨૨ લાખ રૃપિયાની બચત કરી શકાય છે.
સૌરઊર્જા સંચાલિત બસની સર્વિસ લાઇફ ૧૫ વર્ષની છે સૌર ઊર્જા સંચાલિત બસની કિંમત ૧.૫થી ૨ કરોડ સુધીની છે. બસનું પ્રોડક્શન ભારતમાં જ કરાય તો બસની કિંમત ઘટવાની સંભાવનાઓ પણ રહેલી છે. સારા મેન્ટેનન્સ સાથે ઇલેક્ટ્રિક બસની સર્વિસ લાઇફ ૧૫ વર્ષ જેટલી આંકવામાં આવી છે. એક બસને ૬ કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે જ્યારે હાઇસ્પીડ ચાર્જીંગ પોઇન્ટ ઊભો કરવાનો ખર્ચ ૧ લાખ રૃપિયા એક યુનિટ માટે થાય છે. હાઇસ્પીડ ચાર્જીંગ દ્વારા એક બસને ૬ કલાકમાં ચાર્જ કરી શકાય છે. ચાર્જ થયેલી બસ ૨૫૦ કિ.મી.નું અંતર કાપી શકે છે. સરેરાશ એક બી.આર.ટી.એસ. બસ રોજનું ૨૨૫ કિ.મી. ટ્રાવેલ કરે છે.