ઈસ્લામાબાદ : પાકિસ્તાનને અમેરિકાએ વધુ એક મોટો ફટકો આપી દીધો છે. પહેલાથી જ રોકડ કટોકટીને સામનો કરી રહેલા પાકિસ્તાનને અમેરિકાએ સહાયમાં ૪૪૦ મિલિયન ડોલર સુધીનો ઘટાડો કરી દીધો છે. આની સાથે જ મદદ હવે ૪.૧ અબજ ડોલરની કરવામાં આવનાર છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકાને મનાવવાના તમામ પ્રયાસો કર્યા હોવા છતાં અમેરિકા સહાયને વધારવા માટે તૈયાર થયું નથી. અમેરિકાએ વોશિગ્ટનની ઈમરાન ખાનની યાત્રાના ત્રણ સપ્તાહ પહેલા જ સહાયમાં કાપ મુકવા અંગેના તેના નિર્ણય અંગે ઈમરાન ખાનને માહિતી આપી હતી. પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે પીઈપીએ સમજુતી હેઠળ આ સહાય પાકિસ્તાનને મળનાર છે.
અમેરિકાએ ૨૦૧૦માં પાકિસ્તાનને ઉર્જા, પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા અને નાગરિકોની કલ્યાણ યોજનાઓ માટે ૫ વર્ષની અંદર ૭.૫ અબજ ડોલર( ૫૩.૩૫ હજાર કરોડ)ની આર્થિક મદદની જાહેરાત કરી હતી. જોકે ત્યારપછીથી જ પાકિસ્તાન પર આતંકને પ્રોત્સાહન આપવાનો અને આતંકીઓને તેમની જમીન પર આસરો આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ટ્રમ્પ પ્રશાસને પાકિસ્તાનની મદદ રોકવાની વાત ઈમરાનની અમેરિકા મુલાકાતના ત્રણ સપ્તાહ પહેલાં જ કહી દીધી હતી. અમેરિકાના કેરી લુગર કાયદા અંતર્ગત પાકિસ્તાનને ૫ વર્ષના સમયગાળામાં ૫૩.૩૫ હજાર કરોડની મદદ મળવાની હતી પરંતુ છેલ્લા નવ વર્ષમાં તેમને માત્ર શરૂઆતના તબક્કાની જ મદદ આપવામાં આવી છે. તે પણ માત્ર ૨૯ હજાર કરોડની. ત્યારપછી થી જ પહેલાં ઓબામા પ્રશાસન અને પછી ટ્રમ્પ પ્રશાસને મદદમાં ઘટાડો કર્યો અથવા તેને સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવી હતી.
ગયા મહિને ઈમરાન સાથે મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા લાંબા સમયથી દર વર્ષે પાકિસ્તાનને ૧.૩ અબજ ડોલર (અંદાજે ૯ હજાર કરોડ)ની મદદ કરતા હતા. પરંતુ તેમ છતાં પણ ત્યાંની સરકારે અમારા માટે કઈ ન કર્યું. પાકિસ્તાન હજી અમારી વિરુદ્ધ છે. તેથી મેં દોઢ વર્ષ પહેલાંથી તે મદદ રોકી દીધી છે. જાન્યુઆરી ૨૦૧૮માં પેંટાગને પાકિસ્તાનને આપવામાં આવતી ૧.૩ અબજ ડોલરની મદદ રોકી દીધી છે. અમેરિકાનો આરોપ હતો કે, પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં છુપાયેલા હક્કાની નેટવર્ક વિરુદ્ધ કોઈ પગલાં નથી લઈ રહ્યા. સપ્ટેમ્બર મહિનામાં ગયા વર્ષે અમેરિકાએ પાકિસ્તાનને ૩૦૦ મિલિયન ડોલરની નાણાકીય સહાયને રદ કરી દીધી હતી. આતંકવાદને રોકવામાં તેની નિષ્ફળતાના પરિણામ સ્વરૂપે પાકિસ્તાનને સહાય રોકવામાં આવી હતી. જાન્યુઆરી મહિનામાં અમેરિકાએ પાકને એક અબજ ડોલરની સહાયને રોકી હતી.