વોશિગ્ટન : ત્રાસવાદીઓને પ્રોત્સાહન અને આશ્રય આપનાર પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દા પર પોતાના નાપાક ઇરાદાને પાર પાડવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ તેના પ્રયાસો સફળ સાબિત થઇ રહ્યા નથી. કાશ્મીર મુદ્દાને રજૂ કરીને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને આ મુદ્દાને ફરી એકવાર હવા આપવા માટેના પ્રયાસ કર્યા છે. જો કે આ વખતે તેમના પ્રયાસ ફ્લોપ રહ્યા છે. આ વખતે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાફ શબ્દોમાં કહ્યુ છે કે પાકિસ્તાને ભારત સાથેની તેની તંગદીલીને દ્ધિપક્ષીય રીતે ઉકેલવા માટેના પ્રયાસ કરવા જોઇએ. હકીકતમાં જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ પર ભારત સરકારના નિર્ણય પર પાકિસ્તાન ભારે હેરાન છે. આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય રંગ આપવાના તેના પ્રયાસ થઇ રહ્યા છે. જો કે તેમાં તેને સફળતા મળી રહી નથી.
થોડાક દિવસ પહેલા ઇમરાન ખાન જ્યારે અમેરિકા પહોંચ્યા હતા ત્યારે વાતચીત દરમિયાન ટ્રમ્પે મધ્યસ્થતાની વાત કરી દીધી હતી. આના કારણે ઇમરાન ભારે ખુશ થઇ ગયા હતા. ઇમરાન ખાન આને મોટી સિદ્ધી તરીકે ગણી રહ્યા હતા. પાકિસ્તાન પરત ફરીને પોતાના ભાષણમાં આ મુદ્દાનો ઉલ્લેખ પણ કરી રહ્યા હતા. બીજી બાજુ ટ્રમ્પને તેમના સલાહકારો દ્વારા જ્યારે સમજાવવામાં આવ્યા ત્યારે ટ્રમ્પે જારદાર ગુલાટ મારી હતી.
ટ્રમ્પે ત્યારબાદ ખુલાસો કરતા કહ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાન દ્વારા રજૂઆત કરવામાં આવશે તો જ કાશ્મીરના મુદ્દા પર તેઓ મધ્યસ્થતી કરશે. હવે ઇમરાન ખાને ફરી ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી છે. ફોન પર વાતચીત દરમિયાન કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ થયો હતો. જ્યારે કાશ્મીર મામલાનો ઉલ્લેખ થયો ત્યારે ટ્રમ્પે પાકિસ્તાનને સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે દ્ધિપક્ષીય રીતે વિવાદને ઉકેલી દેવામાં આવે તે જરૂરી છે. ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધ બારણે બેઠક થઇ હતી. બેઠક પહેલા બંને નેતાઓએ આ ફોન પર વાત કરી હતી.