મુંબઈ : રવિ શાસ્ત્રીને ફરી એકવાર ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે નિમવામાં આવ્યા છે. શુક્રવારે પૂર્વ કેપ્ટન કપિલ દેવના નેતૃત્વવાળી ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)એ ઇન્ટરવ્યુ લીધા હતા. મુંબઈમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટિએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે માહિતી આપી હતી. પ્રેસ કોન્ફરન્સમાં કપિલ દેવે કહ્યું હતું કે, ત્રીજા નંબર ઓસ્ટ્રેલિયાના ટોમ મુડી અને બીજા નંબર પર ન્યુઝીલેન્ડના માઇક હેસન રહ્યા હતા.
કપિલ દેવે કહ્યું હતું કે, ત્રણ સભ્યોએ તમામને અલગ અલગ અંક આપ્યા હતા. કપિલ દેવે કહ્યું હતું કે, શાસ્ત્રી ક્યાં સુધી કોચ તરીકે રહેશે અને અન્ય કઈ શરતો રહેશે તે અંગે બોર્ડ માહિતી આપશે. અમે અમારા માપદંડો પર આંક આપ્યા છે અને બાકી બાબતો બીસીસીઆઈ નક્કી કરશે. અંશુમન ગાયકવાડે કહ્યું હતું કે, શાસ્ત્રી પહેલાથી જ ટીમની સાથે છે. તેઓ ટીમને જાણે છે અને તેમની પાસે પ્લાન પણ છે. શાસ્ત્રી ખેલાડીઓ અને સિસ્ટમને ખુબ સારી રીતે જાણે છે અને તેમની સાથે સારુ રહ્યું છે.
મુખ્ય કોચ તરીકેની દાવેદારીમાં કુલ છ નામ હતા જેમાં રોબિન સિંહ, માઇક હેસન, લાલચંદ રાજપૂત, ફિલ સિમન્સ, ટોમ મુડી અને રવિ શાસ્ત્રીનો સમાવેશ થાય છે.સિમન્સે શુક્રવારે જ પોતાનું નામ પાછુ ખેંચી લીધું હતું. કપિલ દેવે કહ્યું હતું કે, જા કે, રવિશાસ્ત્રીને કોચ બનાવવા અંગે કેપ્ટનની રાય લેવામાં આવી નથી. તેમણે કહ્યું હતું કે, કેપ્ટન વિરાટ કોહલીએ ખુલ્લા મનથી શાસ્ત્રીને ફરી કોચ બનાવવા અંગે રજૂઆત કરી હતી. તેમણે વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પર જતા પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, જા શાસ્ત્રી ફરીવાર કોચ બનશે તો તેમને ખુશી થશે. આગામી બે વર્ષમાં ભારતીય ટીમ સતત બે વર્લ્ડ ટી-૨૦માં ભાગ લેનાર છે એવામાં શાસ્ત્રીને જાળવી રાખીને સીએસઈએ ટીમની સાથેછેડછાડ ન કરવાનો નિર્ણય કર્યો છે.