અમદાવાદ : વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી અમદાવાદ શહેર હજી બહાર નથી આવ્યું ત્યાં શહેરના બોપલ, વટવા, વિરાટનગર, જશોદાનગર સહિતના અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાવાના કિસ્સા સામે આવતાં સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. બોપલ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં તો, ગટરોના પાણી પીવાની પાણીની લાઇનમાં ભળી જતાં લોકો તંત્ર સામે રોષે ભરાયા હતા. આમ, અમદાવાદ શહેરમાં ફરી એકવાર ગટરોના પાણી ઉભરાવાની સમસ્યા તાજી બની હતી.
શહેરના બોપલ, વિરાટનગર, વટવા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ વચ્ચે ગટરનું પાણી બેક મારતા સ્થાનિકો એક તબક્કે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પશ્ચિમ અમદાવાદના છેડે આવેલા બોપલ વિસ્તારમાં વરાટનગર, મહાદેવનગર જેવા વિસ્તારોમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે અને ઘરોમાં પણ ઘૂસી રહ્યાં છે. ગટરના પાણીથી રોગચાળો થવાની દહેશતના પગલે રહિશોએ રોષ વ્યક્ત કર્યો છે. મહાદેવનગર ખારીકટ કેનાલ તરફની સોસાયટીમાં ગટરના પાણી ફરી વળ્યા હતા. વિરાટનગર વોર્ડના મહિલા કોર્પોરેટરે સ્થાનિકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. મીનાબેન પંચાલને સોસાયટીમાં ગટરના પાણી વચ્ચે સ્થાનિકોએ ચલાવ્યા હતા. મીનાબેનને સમસ્યા જાણવા માટે ગટરના પાણીમાં જવું પડ્યું હતું.