જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ સુરક્ષા દળો અને કેન્દ્ર સરકારની સામે કેટલાક નવા પડકારો આવી ગયા છે. સૌથી મોટો પડકાર રાજ્યમાં શાંતિ અને વિશ્વાસનો માહોલ લોકોમાં જગાવવા માટેનો છે. સાથે સાથે ત્રાસવાદી હુમલાના ભયમાંથી પણ સામાન્ય લોકોને બહાર કાઢવાનો પડકાર છે. દેશના અન્ય રાજ્યોની જેમ સ્થિતી સર્જવા માટેની બાબત અહીં એટલી સરળ દેખાઇ રહી નથી. કારણ કે ત્રાસવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ વર્ષોથી ચાલી રહ્યુ હોવા છતાં ત્રાસવાદીઓ વારંવાર હુમલા કરવામાં સફળ રહે છે. આનુ કારણ સ્થાનિક લોકોમાં છુપાયેલા કટ્ટરપંથી અને અલગતાવાદીઓ છે. આ લોકો સ્થાનિક યુવાનોને વારંવાર ગેરમાર્ગે દોરે છે.
આવી સ્થિતીમાં આવા ખતરનાક લોકોને શોધી કાઢીને તેમને કાબુમાં લેવાની બાબત સૌથી પડકારરૂપ છે. કલમ ૩૭૦ની નાબુદી બાદ સ્થિતીને હવે સામાન્ય કરવાના તમામ પ્રયાસો કરવાની સાથે સાથે ત્રાસવાદીઓનો ખાતમોપણ જારી રાખવાની જરૂર છે. દશકોથી ત્રાસવાદમાં ગ્રસ્ત રહેલા જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસ મોટા પાયે કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટના પરિણામસ્વરૂપે એકપછી એક મોટી સફળતા હાથ લાગી રહી છે. તમામ કુખ્યાત ત્રાસવાદી સંગઠનોની કમર તુટી ચુકી છે. હવે ત્રાસવાદીઓ તેમના અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છે. જમ્મુકાશ્મીરમાં સક્રિય ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીન અને લશ્કરે તોયબાના તમામ ટોપના ત્રાસવાદીઓ ફુંકાઇ ચુક્યા છે. આ ઓપરેશન હેઠળ માર્યા ગયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક પણ કબજે કરવામાં આવી રહ્યા છે.
ગયા વર્ષે ૨૦૦થી વધારે ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા છે. જેમા પોસ્ટર બોય ટાઇગરનો પણ સમાવેશ થાય છે. બુરહાન વાની ગેંગનો સફાયો કરવામાં આવ્યો છે. જા કે જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવા અને લોકોમાં આત્મવિશ્વાસ ભરવા માટે અનેક પગલાની જરૂર છે. સામાન્ય લોકો સુરક્ષા દળો અને સેનાની પૂરતી મદદ કરે તે જરૂરી છે. સ્થાનિક ત્રાસવાદીઓને રક્ષણ અને આશ્રય આપવાના બદલે તેમના સંબંધમાં ગુપ્ત માહિતી સુરક્ષા દળોને માહિતી આપે તે જરૂર છે. ત્રાસવાદ સામેની લડાઇમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નાગરિકોની રહે છે.
જા તમામ સતર્ક અને સાહસી તરીકે રહેશે તો ત્રાસવાદને પગ ફેલાવવાની તક મળશે નહી. દુનિયાની તમામ સરકાર, નેતા, ત્રાસવાદની સામે એક થઇ રહ્યા છે. એક થઇને જ ત્રાસવાદનો અંત લાવી શકાય છે. લોકો હુમલા બાદ નારાજગી પ્રગટ કરવા માટે આગળ આવે છે તેને ત્રાસવાદની હાર તો કહી શકાય છે પરંતુ ત્રાસવાદનો ખાતમો બાકી છે. આના માટે સમગ્ર માનવતા એક થાય તે જરૂરી છે. ત્રાસવાદને જીવિત રાખનાર, તેમને મદદ કરનાર. તેમને આશ્રય આપનાર દેશોની સામે પણ પગલા લેવા પડશે. સ્લીપર સેલને નષ્ટ કરવાની દિશામાં પગલા લેવા પડશે. ત્રાસવાદને મદદ કરનાર કોઇ પણ વ્યક્તિ, સંગઠન અથવા તો દેશ કેમ ન રહે તેની સામે સંયુક્ત યુદ્ધ છેડી દેવાની જરૂર છે.