નવી દિલ્હી : ૭૩માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લા પરથી તેમના સતત છઠ્ઠા સંબોધનમાં તમામ મુદ્દાને આવરી લીધા હતા. મોદીએ પોતાના ભાષણમાં ભ્રષ્ટાચાર, ખેડુત, જીએસટી, રોજગાર અને ત્રિપલ તલાક સહિતના તમામ મુદ્દાને સામેલ કરીને સરકારની સિદ્ધીઓ ગણાવી હતી. સાથે સાથે કેટલીક નવી જાહેરાત કરી હતી. જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની રચના કરવા અને વસ્તી વિસ્ફોટ પર કાબુ મેળવી લેવાની વાત કરી હતી. જમ્મુકાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવા માટેના તમામ કારણો રજૂ કરીને રાજ્યના વિકાસની વાત કરી હતી. કલમ ૩૭૦ને નાબુદ કરીને રાજ્યને બે કેન્દ્રશાષિત પ્રદેશમાં વિભાજિત કરવાની સરકારની નીતિ અંગે વાત કરતા મોદીએ કહ્યુ હતુ કે જમ્મુ કાશ્મીરના લોકોના સપનાને પૂર્ણ કરવાની તેમની સરકારની જવાબદારી છે. તેમણે કહ્યુ હતુ કે આમાં કોઇ અંગત એજન્ડા નથી. મોદીએ પોતાની ખાસ શેલીમાં કહ્યુ હતુ કે અમે સમસ્યાને ટાળતા નથી સાથે સાથે સમસ્યાઓને પાળતા પણ નથી. હવે સમય સમસ્યાઓને ટાળવા અને પાળવાનો રહ્યો નથી. દેશવાસીઓ દ્વારા જે કામ સોંપવામાં આવ્યુ છે તે કામ પૂર્ણ કરી રહ્યા છીએ.
તેમણે કહ્યુ હતુ કે નવી સરકારને હજુ ૧૦ સપ્તાહનો પણ સમય થયો નથી ત્યારે અનેક નાના મોટા નિર્ણય કરવામાં આવ્યા છે. ત્રિપલ તલાક બિલ પાસ કરવામાં આવ્યુ છે. મોદીએ વસ્તી વિસ્ફોટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પ્રથમ વખત મોદીએ વસ્તી વિસ્ફોટકનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોદીએ પોતાના લાંબા ભાષણમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન, ગગનયાન અને સેનામાં પુરૂષોની જેમ મહિલાઓને સ્થાયી સેવાની વાત કરી હતી.મોદીએ અગાઉની સ્થિતી અને આજની સ્થિતી રજૂ કરીને અગાઉની સરકારો પર પ્રહારો કર્યા હતા. મોદીએકહ્યુ હતુ કે કાયદાનુ શાસન સર્વોચ્ચ છે. મોદીએ નવી અવધિમાં આવ્યા બાદ પોતાના પ્રથમ ભાષણમાં કહ્યુ હતુ કે કેન્દ્ર સરકારનુ સંપૂર્ણ ધ્યાન વિકાસ પર કેન્દ્રિત છે. મોદીએ વર્ષ ૨૦૨૨ સુધી ન્યુ ઇન્ડિયા બનાવવા માટેની પણ અપીલ કરી હતી.મોદીએ કહ્યુ હતુ કે હવે સ્વતંત્રતાના ૭૫ વર્ષ બાદ પોતાની સામૂહિક સંકલ્પશક્તિ, સામૂહિક પ્રતિબદ્ધતા મારફતે દેશને આગળ વધારી દેવા ઇચ્છીએ છીએ.
સામૂહિકતાની શક્તિ શુ હોય છે ત બાબત તમામ લોકો જાણે છે. મોંઘવારી પર અંકુશ મુકવાની દિશામાં પહેલ થઇ છે. ઘર બનાવવા માટે ઓછા વ્યાજે પૈસા આપવામાં આવી રહ્યા છે. આજે સરકાર જે કહે છે તે કરવા માટે સકલ્પબદ્ધ પણ છે. આજે દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. હવાલા કારોબારીઓ અંગે માહિતી મળી રહી છે. મોદીએ ભાષણમાં કહ્યુ હતુ કે નાના નાના શહેરોમાં પણ લોકોને વીજળી, શૌચાલય અને ઘર આપવામા આવી રહ્યા છે. મોદીએ ફરી એકવાર કહ્યુ હતુ કે ભ્રષ્ટાચાર પર અંકુશ મુકવા માટે જુદા જુદા કઠોર પગલા લેવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામે જંગ જારી રહેશે. પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વગર મોદીએ કહ્યુ હતુ કે ત્રાસવાદની નિકાસ કરનાર દેશોના ચહેરા સમગ્ર વિશ્વની સામે છે.
ત્રાસવાદને પ્રોત્સાહન આપનાર દરેક દેશને વિશ્વની સપાટી પર લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. આજે દુનિયાના દેશો એક સાથે આવી રહ્યા છે. ભારતીય લોકોના ડંકા વિશ્વમાં વાગી રહ્યા છે. મોદીએ કહ્યુ હતુ કે જા જનાત સિક્ષિત અને સ્વસ્થ છે તો દેશ પણ સ્વસ્થ બની શકે છે. ત્રિપલ તલાકની સામે હાલમાં બિલ પાસ કરવામાં આવ્યુ છે. મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્રાસવાદની સામે લડાઇને વધારે અસરકારક રીતે લડવા માટે કાયદામાં સુધારા કરવામાં આવી રહ્યા છે. મોદીએ તેમના ૯૫ મિનિટના ભાષણમાં મોટી જાહેરાત કરતા કહ્યુ હતુ કે સેનાના ત્રણેય અંગોના પ્રમુખ તરીકે એકની નિમણૂંક કરવામાં આવનાર છે. સમયની સાથે હવે બદલવાની જરૂરિયાત દેખાઇ રહી છે.