શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં લાગેલા નિયંત્રણોને આવતીકાલે સ્વતંત્રતા દિવસે હળવા કરવામાં આવી રહ્યા છે. કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા અને નિયંત્રણો ખુબ કઠોર રાખવામાં આવ્યા હતા. જો કે હવે તમામ નિયંત્રણોને હળવા કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદથી ઇન્ટરનેટ અને ફોન સેવા બંધ હતી. અલબત્ત આ સેવાને સામાન્ય બનાવવામાં હજુ સમય લાગી શકે છે.
જો કે અન્ય નિયંત્રણોને બિલકુલ હળવા કરવામાં આવનાર છે. રાજ્યના રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન રાજ્યપાલ મલિકે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને રાજ્યમાં આવવા માટેનુ આમંત્રણ એમ કહીને પરત લઇ લીધુ છે કે રાહુલ પોતાની શરત પર જ્મ્મુ કાશ્મીર આવવા માટે ઇચ્છુક છે પરંતુ આ બાબત હાલમાં શક્ય નથી. મલિકે કહ્યુ હતુ કે ૧૫મી ઓગષ્ટ બાદ અવરજવરમાં લાગુ કરવામાં આવેલા તમામ નિયંત્રણોને હળવા કરી દેવામાં આવનાર છે.
જો કે મલિકે ફોન અને ઇન્ટરનેટને યુવાનોને ઉશ્કેરનાર હથિયારો તરીકે ગણાવીને તેની ટિકા કરી છે. મલિકે કહ્યુ હતુ કે અમે દુશ્મનોને હથિયારો એ વખત સુધી આપીશુ નહીં જ્યાં સુધી તમામ ચીજો સામાન્ય બની જતી નથી. તેમણે દાવા સાથે કહ્યુ હતુ કે તમામ બાબતો એક સપ્તાહ અથવા તો ૧૦ દિવસમાં સામાન્ય બની જશે. ત્યારબાદ સંપર્કના સાધનોને પણ વધુ વ્યવસ્થિત કરી દેવામાં આવનાર છે. મલિકે રાહુલ ગાંધીની જોરદાર ટિકા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે રાહુલ પોતાની શરતો પર રાજ્યમાં આવવા માટે ઇચ્છુક છે.