નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા નાપાક હરકતનો દોર જારી રહ્યો છે. સરહદ પર વધતી જતી તંગદીલી વચ્ચે બંને દેશો સામ સામે આવી રહ્યા છે. પાકિસ્તાને હવે લડાખ સરહદ નજીક પોતાના યુદ્ધવિમાનો તૈનાત કરી દીધા છે. આ પાકિસ્તાની યુદ્ધ વિમાનો ભારતના કેન્દ્રશાષિત પ્રદેશ લડાખની સરહદ પાસે પાકિસ્તાની સ્કાર્દુ વિમાનીમથક ખાતે ગોઠવી દેવામા આવ્યા છે. આ તમામ પાકિસ્તાની ગતિવિધી પર ભારતની ચાંપતી નજર રહેલી છે.
સરકારી સુત્રોએ કહ્યુ છે કે પાકિસ્તાની હવાઇ દળના ત્રણ સી-૧૩૦ પરિવહન વિમાન પણ લડાખ સરહદ નજીક તૈનાત કરવામાં આવ્યા છે. આ હેવાલ આવ્યા બાદ સંબંધિત ભારતીય તપાસ સંસ્થાઓ સ્થિતી પર બાજ નજર રાખી રહી છે. પાકિસ્તાની બેઝ ખાતે પહોંચાડી દેવામાં આવી રહેલા સાધનોમાં યુદ્ધવિમાનોની સાથે અન્ય હથિયારો પણ છે. આ સાધનમાં યુદ્ધ વિમાનોની મદદ માટે સહાયક સાધન પણ હોઇ શકે છે. પાકિસ્તાન લડાખ સરહદ પાસે પોતાના જેએએફ-૧૭ વિમાન પણ તૈનાત કરી શકે છે.
ભારતીય હવાઇ દળ અને ભૂમિ સેનાની સાથે ભારતીય ગુપ્તચર સંસ્થાઓની પણ પાકિસ્તાનની હરકત પર ચાંપતી નજર છે. કારણ કે પાકિસ્તાની સરહદ પર ભારતની ચાંપતી નજર છે. પાકિસ્તાની ગતિવિધી પર હાલની નજર રાખવા પાછળનો હેતુ એ છે કે ભારતમાં હવે સ્વતંત્રતા દિવસ આડે ગણતરીના દિવસો રહ્યા છે.