કોંગ્રેસ પાર્ટી ખુબ ખરાબ દોરમાં

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કોંગ્રેસ પાર્ટી તેના ઇતિહાસમાં સૌથી ખરાબ તબક્કામાંથી હાલમાં પસાર થઇ રહી છે. કોંગ્રેસ પાર્ટીમાંથી હાલના સમયમાં અનેક મોટા નેતાઓ નિકળી ચુક્યા છે. એકપછી એક કોંગ્રેસી નેતા પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડવા માટે કેટલાક કારણો પણ આ નેતાઓને દેખાઇ રહ્યા છે. એકબાજુ કોંગ્રેસ પાર્ટી હાલમાં દિશાહિન દેખાઇ રહી છે. ક્યાં મુદ્દા પર તેનુ વલણ કેવુ રહેવુ જોઇએ તે બાબતને લઇને પણ કોંગ્રેસ પાર્ટી કોઇ નિર્ણય કરી શકતી નથી. સાથે સાથે કોંગ્રેસ પાર્ટીમાં લીડરશીપને લઇને ભારે સમસ્યા ઉભી થઇ ગઇ છે.

નરેન્દ્ર મોદીની સામે કોંગ્રેસ પાર્ટીની તમામ યોજના ફ્લોપ સાબિત થઇ રહી છે. વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂટણીમાં મોદીની લહેર વચ્ચે કોંગ્રેસ પાર્ટીનો સંપૂર્ણ સફાયો થયો હતો. કોંગ્રેસ પાર્ટી માત્ર ૪૪ સીટો જ જીતી શકી હતી. તેની હાલત એ વખતે ખુબ ખરાબ થઇ ગઇ હતી. વિપક્ષ બનવા જેવી સીટો પણ તેને હાથ લાગી ન હતી. વર્ષ ૨૦૧૪માં કારમી હાર થયા બદા કોંગ્રેસ પાર્ટીએ આક્રમક વલણ અપનાવીને જોરદાર રણનિતી બનાવી હતી.  કોંગ્રેસના પ્રમુખ તરીકે રાહુલ ગાંધીને જવાબદારી સોંપીને ભારતીય જનતા પાર્ટીની સામે જોરદાર તૈયારી કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને સત્તાથી દુર કરવા માટે તમામ પાસાઓ ફેંક્યા હતા. મતદારો અને ખાસ કરીને ખેડુતોને ખુશ કરવા માટે મોટી મોટી યોજનાઓ જાહેર કરવામાં આવી હતી. જેમાં સરકાર બન્યા બાદ ખેડુતોના દેવાને માફ કરવાની વાત કરવામાં આવી હતી. દરેક ગરીબ પરિવારને વર્ષે ૭૨૦૦૦ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી. આ તમામ મોટી જાહેરાતો અને મોદીની પ્રતિષ્ઠાને ખરડી નાંખવા માટે રાફેલ સહિતના મુદ્દાને જોરદાર રીતે ચગાવ્યા બાદ પણ કોંગ્રેસ પાર્ટીની લોકસભા ચૂંટણીમાં સતત બીજી વખત કારમી હાર થઇ હતી. વર્ષ ૨૦૧૪માં કોંગ્રેસને ૪૪ સીટો અને વર્ષ ૨૦૧૯માં કોંગ્રેસ પાર્ટીને ૬૦થી પણ ઓછી સીટો હાથ લાગી હતી. જેથી તેની સ્થિતીનો અંદાજ મળી શકે છે. દેશના લોકો કોંગ્રેસ પાર્ટીથી કેટલી હદ સુધી નારાજ છે તેનુ ચિત્ર પણ આ પરિણામો રજૂ કરે છે.

આ તમામ કારણોસર કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ભારે પરેશાન છે. લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસમાંથી અનેક મોટા નેતાઓ નિકળી ચુક્યા છે. હજુ પણ આ સિલસિલો જારી છે. કર્ણાટકમાં જેડીએસની સાથે મળીને સરકાર બનાવવાના તેના પ્રયાસો પર હવે પાણી ફરી વળ્યુ છે. કારણ કે ત્યાં પણ બળવો થયા બાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર હવે બની ચુકી છે. કોંગ્રેસ તેના ઇતિહાસમાં સૌથી ખરાબ તબક્કામાં પસાર થઇ રહી છે. દિશાહિન થયેલી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ હજુ પણ આડેધડ નિવદન કરીને દેશના લોકોની નારાજગીનો સામનો કરી રહ્યા છે. રાજ્યસભા સાંસદ રહી ચુકેલા સંજયસિંહ સહિતના મોટા નેતા પણ પાર્ટી છોડી ચુક્યા છે. બીજી બાજુ ભાજપના રણનિતીકારોની નજર કોંગ્રેસના મોટા નેતાઓ પર કેન્દ્રિત થઇ ગઇ છે. કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ પણ કોંગ્રેસ પાર્ટી વિભાજિત દેખાઇ રહી છે. કોંગ્રેસની હાલત ઉત્તરપ્રદેશમાં સૌથી ખરાબ દેખાઇ રહી છે. ઉત્તરપ્રદેશમાં તેના નેતા એકપછી એક પાર્ટી છોડી રહ્યા છે. કેટલાક પાર્ટી નેતા પાર્ટીની ગાઇડલાઇનથી હટીને કામ કરી રહ્યા છે.

સાથે સાથે આડેધડ નિવેદનબાજી કરી રહ્યા છે. કોંગ્રેસની હાલત વધારે ખરાબ કરવાના પ્રયાસમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાગેલા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓની નજર એવા અસંતુષ્ટ નેતાઓ પર કેન્દ્રિત છે. જે માને છે કે લોકોનો વિશ્વાસ કોંગ્રેસ પાર્ટી ગુમાવી ચુકી છે. કોંગ્રેસ પાર્ટી હવે સત્તામાં વાપસી કરી શકે તેમ નથી. કોંગ્રેસી ટિકિટ પર વર્ષ ૨૦૧૯માં ચૂંટણી લડી ચુકેલા એવા નેતાઓ પણ સામેલ છે જે પાર્ટીની રણનિતીને લઇને નાખુશ છે. સુત્રોની વાત પણ વિશ્વાસ કરવામાં આવે તો કેટલાક અસંતુષ્ટ નેતાઓ સાથે અંતિમ તબક્કાની વાતચીત  ચાલી રહી છે. જેથી આ નેતાઓ કોઇ પણ સમય પાર્ટીમાં સામેલ થઇ શકે છે. આવી સ્થિતીમાં કોંગ્રેસ પાર્ટી માટે હવે પોતાના સભ્યોને બચાવી લેવાની બાબત  પણ મોટી  આફત સમાન છે. હાલમાં જ રાજ્યસભા સાંસદ સંજયસિંહ કોંગ્રેસ પાર્ટીની સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થઇ ચુક્યા છે. સંજય સિંહના પત્નિ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ ચુક્યા છે. બુધવારના દિવસે જ કોંગ્રેસના મહાસચિવ એનપી સિંહ હોદ્દાની સાથે પાર્ટીની પ્રાથમિક મેમ્બરશીપથી રાજીનામુ આપી ચુક્યા છે.

Share This Article