જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરીને રાજ્યને બે ભાગમાં વિભાજિત કરવાના મોદી સરકારના સાહસી અને ઐતિહાસિક નિર્ણય બાદ હવે આંતરિક સુરક્ષા પાસા પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. જમ્મુ કાશ્મીર પર મોદી સરકારના નિર્ણય બાદ પાકિસ્તાન સરકારની પ્રતિક્રિયા ભારતમાં રહેલા ધર્માન્દ વોટબેંકને ખુશ કરવા માટેની સામે આવી રહી છે. સરકારના ક્રાન્તિકારી નિર્ણય બાદ આંતરિક સુરક્ષાને લઇને પહેલા કરતા વધારે સાવધાન થઇ જવાની જરૂર છે. ભારત પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદીઓના હિટ લિસ્ટમાં ટોપ પર રહ્યુ છે.
આવી સ્થિતીમાં સુરક્ષા વ્યવસ્થા પર કોઇ ચુક રહેવી જોઇએ નહીં. પાકિસ્તાન પોતે કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ હચમચી ઉઠ્યુ છે. દશકોથી પાકિસ્તાન દ્વારા કલમ ૩૭૦નો ઉપયોગ એક ખતરનાક હથિયાર તરીકે કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યુ હતુ. હવે પાકિસ્તાનના આ ઘાતક હથિયારને મોદીએ નાબુદ કરી દીધા બાદ આંતરિક સુરક્ષાના પાસા પર મજબુતી સાથે આગળ વધવાની જરૂર છે. ધાર્મિક પ્રભુત્વ સ્થાપિત કરવાની ઇચ્છા ધરાવનાર તત્વોની સામે સાવધાન રહેવાની જરૂર છે. આ પ્રકારની વિચારધારા ધરાવનાર કટ્ટરપંથી ભારતને હેરાન કરવાની કોઇ તક છોડતા નથી. કેટલાક કટ્ટરપંથી લોકો આવા લોકોની જાળમાં ફસાઇ જાય છે. જ્યારે તેમને પોતાની સ્થિતીને સુધારી દેવા માટે કોઇ તક મળતી નથી ત્યારે આ લોકો ખોટા રસ્તા પર દોડી જાય છે. પોતે જોખમ પણ લેતા રહે છે. પરંતુ આ રસ્તા પર આગળ નિકળી ગયા બાદ પરત ફરવાની બાબત અશક્ય બની જાય છે.
આ એક પ્રકારની આત્મહત્યા સમાન છે. ગેરમાર્ગે દોરાયેલા કાશ્મીરી યુવાનો ત્રાસવાદી ગતિવિધીમાં સામેલ તો થઇ જાય છે પરંતુ તેમની લાઇફ ટુંકી બની જાય છે. તેમની વાપસી શક્ય બનતી નથી. તેમને એકપ્રકારની આત્મહત્યા કરવાની ફરજ પડે છે. એક બાબત એ પણ છે કે ગરીબી કેટલીક બિમારીઓ પૈકી એક સૌથી મોટી બિમારી છે. આમાંથી લોકોને બહાર કાઢીને અમે યુવાનોને ત્રાસવાદી ગતિવિધી તરફ જતા રોકી શકીએ છીએ. કેટલાક કેસમાં તો ભણેલા યુવાનો પણ ત્રાસવાદી ગતિવિધીમાં જતા રહે છે. કોઇના કહેવાથી આ લોકો ગેરમાર્ગે દોરાઇ જાય છે. મરી ગયા બાદ તેમને વધારે સારી લાઇફ મળશે તેવા કેટલાક લોકોના કહેવા પર આગળ વધી જેહાદની ગતિવિધીમાં સામેલ થઇજાય છે. આંતરરાષ્ટ્રીય ત્રાસવાદના કેટલાક રૂપ સામે આવી રહ્યા છે.
આજે જરૂર એવા લોકોને જાગૃત કરવાની છે જે આ પ્રકારની ગતિવધીથી રોકી શકે છે. આના માટે સામાજિક અને ધાર્મિક સંગઠનો આગળ આવે તે જરૂરી છે. અમેરિકા અને તેના સાથી દેશોની કાર્યવાહીના કારણે ઇરાક, સિરિયા અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં જેહાદી સંગઠનો અને ત્રાસવાદીઓની કમર તુટી ચુકી છે. ત્યાં ત્રાસવાદીઓ મોતને ઘાટ ઉતરી રહ્યા છે અથવા તો અન્ય જગ્યા શોધી રહ્યા છે. આવી કાર્યવાહીમાં કેરળના કેટલાક યુવાનોના મોત અમને ચિંતામાં મુકે છે. એવા હેવાલ પણ આવે છે કે આઇએસ ભારતમાં સક્રિય થવાના પ્રયાસમાં છે.