” નૈવ તસ્ય કૃતેન અર્થ: ન અકૃતેન ઇહ કશ્વન II
ન ય અસ્ય સર્વભૂતેષુ કશ્ચ્રિત અર્તવ્યપાશ્રય : II ૩/૧૮ II “
અર્થ –
” આ જગતમાં તેને કરેલાં કરેલાં કર્મથી કાંઇ પ્રયોજન નથી, તેમ જ કર્મ ન કરવાથી પણ પ્રયોજન નથી, સર્વ પ્રાણીઓમાં તેનો કોઇ સ્વાર્થનો સંબંધ નથી. ”
” તસ્માત અસક્ત: સતતમ કાર્યમ કર્મ સમાચર II
અસક્ત: હિ આચરન કર્મ પરમ આપ્નોતિ પુરુષ: II ૩/૧૯ II “
અર્થ –
” માટે તું સંગરહિત થઇને નૈમિત્તિક કર્મો કર, કારણ કે જે મનુષ્ય ફલેચ્છા રહિત થઇને કર્મ કરે છે તે મનુષ્ય ચિત્તની શુધ્ધિ દ્વારા જ્ઞાન અને જ્ઞાન દ્વારા મોક્ષ પામે છે. ”
જે આત્મા પોતાનામાં પરમાત્માનો અનુભવ કરે છે તેને માટે તે કર્મ કરે કે ના કરે તેનું કોઇ પ્રયોજન રહેતું જ નથી. કેમ કે તે કર્મ કરે તો ય તેમાં તેનો કોઇપણ પ્રકારનો સ્વાર્થ હોતો જ નથી અને કર્મ નહિ કરીને પણ તે કશા પ્રકારનો સ્વાર્થ સાધતો નથી. એટલે ભગવાન અર્જુનજીને પણ એ જ વાત ફરી ફરીને કહે છે કે તું માત્ર નિમિત્ત છે એમ માનીને કર્મ કર, એમાં તારો કોઇ વ્યક્તિગત સ્વાર્થ કે લાભ છે જ નહિ. અને આવી રીતે ફળની ઇચ્છા વિનાનાં જે કર્મ થાય છે તે મનુષ્યના ચિત્તને શુધ્ધ અને પવિત્ર કરે છે. એકવાર ચિત્ત શુધ્ધ થાય એટલે એમાં કશા ખરાબ વિચાઅરો પ્રગટી શકતા નથી. આમ થવાથી તે જીવને જ્ઞાનની પ્રાપ્તિ થઇ જાય છે અને આ જ્ઞાન જ તેને મોક્ષ તરફ દોરી જાય છે.ટૂંકમાં પ્રભૂમય થઇને તમે કર્મ કરશો તો એ કર્મ ફળની અપેક્ષા વિનાનાં હોવાથી તમને જ્ઞાન આપશે અને એ જ જ્ઞાનની મદદથી તમે અચૂકપણે મોક્ષને પામવાના જ છો. અસ્તુ.
- અનંત પટેલ