નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દૂર કરવા અને રાજ્યની ફેરરચનાને લઇને કોંગ્રેસ પાર્ટીમાં તિરાડ વધી રહી છે. પાર્ટીના નેતૃત્વ દ્વારા સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે કેટલાક મોટા નેતાઓએ સરકારના નિર્ણયની તરફેણ કરી છે. રાહુલ ગાંધીના નજીકના સાથી અને પાર્ટીના પૂર્વ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ ભારતીય સંઘમાં જમ્મુ કાશ્મીર અને લડાખના પૂર્ણ વિલયને યોગ્યરીતે ગણાવીને તરફેણ કરી છે. સરકારના નિર્ણયનું જ્યોતિરાદિત્યએ સમર્થન કર્યું છે. આ પહેલા હરિયાણાના દિપેન્દ્ર હુડા, મહારાષ્ટ્રના મિલિંદ દેવડાથી લઇને સિનિયર કોંગ્રેસી નેતા જનાર્દન દ્વિવેદી સુધીના અનેક નેતાઓએ કલમ ૩૭૦ને દૂર કરવાનું સમર્થન કર્યું છે. બીજી બાજુ આસામમાંથી પાર્ટીના રાજ્યસભા સાંસદ ભુવનેશ્વર કલિતાએ પણ પાર્ટીના વલણથી નારાજ થઇને રાજીનામુ આપી દીધું છે જે સમયે લોકસભામાં કોંગ્રેસ પાર્ટી બિલનો વિરોધ કરી રહી હતી ત્યારે પૂર્વ સાંસદ સિંધિયાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, તેઓ જમ્મુ કાશ્મીર અને લડાખને ભારતીય સંઘમાં પૂર્ણ મર્જને લઇને સમર્થન કરે છે.
જોબંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરી લેવાઈ હોત તો કોઇ પ્રશ્નો ઉઠ્યા ન હોત. આ તમામ બાબતો અમારા હિતમાં છે. રાહુલ ગાંધીએ બિલનો વિરોધ કરીને કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરના એક તરફી નિર્ણય કરીને વિભાજન કરવામાં આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જનાર્દન દ્વિવેદીએ કહ્યું છે કે, આ નિર્ણયની સાથે દેશે જુની ભુલોને સુધારી છે. દિપેન્દ્ર હુડાએ કહ્યું છે કે, ૨૧મી સદીમાં કલમ ૩૭૦નું કોઇ મહત્વ નથી. આને દૂર કરવાની જરૂર હતી. આ પહેલા દેશની અખંડતા માટે જ નહીં બલ્કે જમ્મુ કાશ્મીરને અમારા દેશના અખંડ ભાગ તરીકે પણ દર્શાવવાની જરૂર છે. મિલિંદ દેવડાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, કમનસીબરીતે કલમ ૩૭૦ના મામલાને લિબરલ અને કટ્ટરતાની ચર્ચામાં ફસાવવાના પ્રયાસ થઇ રહ્યા છે.
પાર્ટીઓએ પોતાના વૈચારિક મતભેદોને ભુલી જઇને ભારતની એકતા અને અખંડતા માટે કામ કરવાની જરૂર છે. કાશ્મીર શાંતિ, યુવાઓને રોજગાર અને કાશ્મીરી પંડિતો માટે ન્યાયની દ્રષ્ટિએ વિચારવાનો સમય આવી ગયો છે. આજે લોકસભામાં બિલ ઉપર ચર્ચા અને ત્યારબાદ મતદાનને લઇને પણ કોંગ્રેસ પાર્ટીમાં વિભાજનની સ્થિતિ જોવા મળી હતી. કોંગ્રેસ પાર્ટીના બે જૂથ સ્પષ્ટપણે દેખાઈ આવ્યા હતા. બીજી બાજુ આસામમાંથી પાર્ટીના રાજ્યસભા સાંસદ ભુવનેશ્વર કલિતાએ પાર્ટીના વલણથી નારાજ થઇને રાજીનામુ આપી દીધું છે.