અમદાવાદ : આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં સવારથી મેધરાજાએ જોરદાર અને બહુ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. એક તબક્કે ખંભાતમાં આભ ફાટતાં માત્ર ૧૨ કલાકમાં જ ૧૭ ઇચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં સમગ્ર ખંભાત જાણે બેટમાં ફેરવાયું હતું. જેને પગલે હવે ખંભાતમાં પણ વડોદરાવાળી થવાનો ભય સતાવી રહ્યો છે. ખંભાત શહેરના માર્ગો પર દરિયાના મોજાની જેમ પાણી વહેતા જાવા મળ્યા હતા. ખંભાતમાં આટલાબધા એકસાથે ખાબકેલા વરસાદને પગલે ખંભાતવાસીઓ ભારે હાલાકીમાં મૂકાયા હતા. સમગ્ર ખંભાત જાણે પાણીના ડૂબમાં જવાના કારણે મહિલાઓ, બાળકો અને વૃધ્ધો-અશકત-બિમાર લોકોની હાલત ભારે કફોડી બની હતી. આજે વહેલી સવારથી જ ખંભાતમાં મેઘરાજાની પધરામણી અને સતત પડી પહેલા વરસાદના પગલે શહેર દરિયામાં ફેરવાયું હતું. ખંભાત તો પોતે જ દરિયાકિનારે આવેલું શહેર છે છતાં, જાણે આજે આભ ફાટતાં ખંભાતમાં બીજા દરિયો સર્જાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે બપોરના ૧૨ થી ૩માં સવા નવ ઇંચ વરસાદ ખાબક્યો અને દિવસ દરમિયાન ૧૨ કલાકમાં ૧૭ ઇંચ જેટલો અતિ ભારે વરસાદ વરસતાં ખંભાત આખુ પાણીમાં જાણે ડૂબી ગયુ હતુ.
અતિ ભારે વરસાદને પગલે ખંભાતાના સાલવા,જહાંગીરપુર,રબાડીવાડ,સાગર સોસાયટી,મોચીવાડ, બાવા બાજીસા સહિતના વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદના પગલે નગરજનોને ઘરમાં પુરાઇ રહેવાનો વખત આવ્યો હતો. દોઢ માસમાં માત્ર ૮ ઇંચ વરસાદ નોંધાયો હતો, તેની સામે આજે બપોરે માત્ર ત્રણ કલાકમાં ૯ કલાકમાં સાડા તેર ઇંચ વરસાદ ખાબકતા સીઝનના વરસાદની ખોટ ભાગી નાંખી હતી. ખંભાત શહેરમાં છેલ્લા દોઢ માસ સુધી માત્ર છુટાછવાયા વરસાદી ઝાપટા પડતા હતા. ખેતી લાયક વરસાદ થતો ન હતો જેથી ખેડૂતો સહિત સૌ કોઇ ચિંતિત હતા.
પરંતુ વરૂણદેવ એક દિવસમાં ખંભાત પર વધુ પડતી મહેર વરસાવી હતી. જેના પગલે સાંજના છ વાગ્યા સુધી વરસાદ ૧૭ ઇંચ જેટલો અતિ ભારે વરસાદ નોંધાયો હતો. હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે હવે ખંભાતવાસીઓને વડોદરાવાળી થવાનો ભય સતાવી રહ્યો છે. વરસાદને કારણે બપોર બાદ સમુદ્રના મોજાની જેમ ખંભાતની પોળ અને માર્ગો પરથી પાણી વહેતા જોવા મળ્યા હતા.તો વળી દુકાનો અને ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. જેના કારણે નગરજનો મુશ્કેલીમાં મુકાયા હતા. ખંભાતમાં આભ ફાટતાં તંત્ર પણ દોડતુ થઇ ગયુ હતુ. સમગ્ર ખંભાતનું જનજીવન ઠપ્પ થઇ ગયુ હતું. વડોદરામાં અનરાધાર વરસાદ વરસવાને કારણે જંબુસર અને આમોદ તાલુકામાંથી વહેતી ઢાઢર નદીમાં પૂરના પાણી ભરાયાં છે.