મુંબઇ : શેરબજારમાં આજે મંદી પર બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૦૦ પોઈન્ટ ઉછળીને ૩૭૧૧૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૭ પોઈન્ટ ઉછળીને ૧૦૯૯૭ની સપાટીએ રહ્યો હતો. કારોબાર દરમિયાન ભારતી એરટેલ, એશિયન પેઈન્ટ, બજાજ ઓટો, મારૂતિના શેરમાં સૌથી વધારે સુધારો થયો હતો. જ્યારે એસબીઆઈ, ટાટા સ્ટીલ, વેદાન્તા, ઓએનજીસીના શેરમાં ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમમાં ૨૦ પોઈન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૫૪૭ રહી હતી. જ્યારે એસએન્ડપી બીએસસી સ્મોલ કેપમાં ૫૫ પોઈન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૨૪૯૬ રહી હતી. સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ ઈન્ડેક્સમાં ૧.૧૨ ટકાનો ઘટાડો રહ્યો હતો.
આ ઉપરાંત મેટલ ઈન્ડેક્સમાં સૌથી વધુ ૨.૧૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી ઓટો ઈન્ડેક્સમાં ૧.૨૬ ટકાનો સુધારો રહ્યો હતો. જુલાઈ મહિનામાં હવે વિદેશી મૂડીરોકાણકારોએ જુદા જુદા પરિબળોના પરિણામ સ્વરુપે હજુ સુધી ૩૭૫૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.વિદેશી મૂડીરોકાણકારો દ્વારા પહેલીથી ૨૬મી જુલાઈ વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાંથી ૧૪૩૮૨.૫૯ કરોડ રૂપિયા પાછા ખેંચાયા છે પરંતુ ડેબ્ટ સેગ્મેન્ટમાં ૧૦૬૨૪.૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. દેશના કોર ઇન્ડસ્ટ્રીઝના આંકડા ગઇકાલે ગુરૂવારના દિવસે જારી કરવામાં આવ્યા બાદ તેની પણ ચર્ચા જોવા મળી રહી છે. આઠ કોર ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ જૂન મહિનામાં ઘટીને ૦.૨ ટકા થયો છે. સિમેન્ટ ઉત્પાદનમાં ઉથલપાથલનો દોર રહ્યો છે. આ ઉપરાંત તેલ સંબંધિત સેક્ટરોમાં પણ ઘટાડો જાવા મળ્યો છે જે આઠને કોર ઇન્ડસ્ટ્રી તરીકે ગણવામાં આવે છે તેમાં કોલસા, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઈનરી પ્રોડક્ટ, ખાતરો, સ્ટીલ, સિમેન્ટ અને ઇલેક્ટ્રીસિટીનો સમાવેશ થાય છે. આ આઠ કોર સેક્ટર પર દેશનું અર્થતંત્ર આધાર રાખે છે.
સિમેન્ટ ઉત્પાદનમાં ૧.૫ ટકાનો ઘટાડો રહ્યો છે. ખાતર ઉત્પાદનમાં ૧.૫ ટકાનો વધારો થયો છે. બીજી બાજુ ફિસ્કલ ડેફિસિટનો આંકડો ૪.૩૨ ટ્રિલિયલ સુધી પહોંચી ગયો છે. બજેટ અંદાજ કરતા આ આંકડો જુદો જ દર્શાવવામાં આવ્યો છે.નાણાંમંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક ગયા શનિવારના દિવસે મળી હતી. જેમાં જુદા જુદા પાસા ઉપર ચર્ચા વિચારણ કરવામાં આવી હતી. ચર્ચા વિચારણ બાદ ઈલેક્ટ્રિક વાહનો પર જીએસટીના દરને ૧૨%થી ઘટાડીને ૫% કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આવી જ રીતે ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જર પર જીએસટી ૧૮%થી ઘટાડીને ૫% કરી દેવાયો છે.
નવા દર ૧લી ઓગષ્ટથી લાગુ કરવામાં આવશે. શેરબજારમાં ગઇકાલે જોરદાર કડાકો બોલી ગયો હતો. સેંસેક્સ રિકવરી થયા બાદ અંતે ૪૬૩ પોઇન્ટ ઘટીને ૩૭૦૧૮ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજમાં ૫૦ કંપનીઓના શેર પર આધારિત નિફ્ટી ૧૩૮ પોઇન્ટ ઘટીને ૧૦૯૮૦ની નીચી સપાટીએ રહ્યો હતો.