નવી દિલ્હી : અયોધ્યા વિવાદ મામલામાં રચવામાં આવેલી મધ્યસ્થતા સમિતિએ આજે સુપ્રીમ કોર્ટમાં સીલ કવરમાં પોતાનો અંતિમ રિપોર્ટ રજૂ કર્યો હતો. આ મામલામાં સુપ્રીમ કોર્ટ આવતીકાલે સુનાવણી કરનાર છે. સીજેઆઈ રંજન ગોગોઈના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચે મધ્યસ્થતા સમિતિ પાસે રિપોર્ટની માંગ કરી હતી. આ પહેલા ૧૮મી જુલાઈના દિવસે સમિતિએ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો. પેનલ ટુંક સમયમાં જ અંતિમ રિપોર્ટ સોંપી ચુકી છે ત્યારે હવે આવતીકાલે સુનાવણી કરવામાં આવશે. મામલાની સુનાવણી સીજેઆઈ રંજન ગોગોઈના નેતૃત્વમાં બંધારણીય બેંચ દ્વારા કરવામાં આવી રહી છે.
રાજકીયરીતે સંવેદનશીલ રામજન્મભૂમિ -બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં દરરોજ સુનાવણી થશે કે પછી વાતચીત મારફતે રસ્તો ખુલશે તે અંગે સુપ્રીમ કોર્ટ આવતીકાલે બીજી ઓગસ્ટના દિવસે ફેંસલો કરશે. અગાઉ સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટિને ૩૧મી જુલાઈ સુધી અંતિમ રિપોર્ટ જમા કરવા માટે આદેશ કરી દીધો હતો જેના ભાગરુપે આજે મધ્યસ્થતા પેનલે તેનો અહેવાલ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો. અંતિમ રિપોર્ટ મળી ગયા બાદ દરરોજ સુનાવણી કરાશે કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે. તે પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચ દ્વારા ૧૧મી જુલાઈના દિવસે આ અંગે રિપોર્ટ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે ૧૧મી જુલાઇના દિવસે મામલાની સુનાવણી કરી હતી. એ દિવસે અયોધ્યા મામલામાં મધ્યસ્થતાની પ્રક્રિયાને ખતમ કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. અયોધ્યા મામલામાં હિન્દુ પક્ષકાર ગોપાલ સિંહ વિશારદે અરજી દાખલ કરીને દલીલ કરી હતી કે મધ્યસ્થતાને લઇને કરવામાં આવેલા પ્રયાસોથી કોઇ ખાસ પ્રગતિ થઇ નથી.
જેથી આ પ્રક્રિયાને રોકીને કોર્ટ મામલાની વહેલી તકે સુનાવણી કરે તે જરૂરી છે. મધ્યસ્થતાના પ્રયાસો પહેલા પણ થયા છે. સૌથી પ્રથમ વખત પ્રયાસ વર્ષ ૧૯૯૦માં કરવામાં આવ્યો હતો. એ વખતે વિશ્વ હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એક્શન કમિટી વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. જા કે આ વાતચીત ભાંગી પડી હતી. બીજા વાતચીતનો પ્રયાસ વર્ષ ૨૦૦૩માં કરવામાં આવ્યો હતો. એ વખતે પણ મંત્રણા ફ્લોપ રહી હતી.ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચે મધ્યસ્થીઓના નામ આપવા તમામ સંબંધિત પક્ષોને સૂચના આપી હતી. આ બેંચમાં એસએ બોબડે, ડીવાય ચંદ્રચુડ, અશોક ભુષણ, એસએ નઝીર પણ હતા. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેની સામે સતત અરજીઓ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્પદ જમીનને ત્રણ ભાગોમાં વિભાજિત કરી હતી જેમાં રામલલ્લા, સુન્ની વક્ફ બોર્ડ અને નિરમોહી અખાડા વચ્ચે જમીન વિભાજિત કરી હતી.