અમદાવાદ : અમદાવાદ શહેરની ૧૪ અલગ અલગ બેન્કોમાં રૂ.૨૦૦૦ના દરથી લઈ રૂ.૧૦ના દરની કુલ રૂ. ૭.૧૭ લાખની નકલી નોટ જમા થઇ હોવાની વાત ફરી એકવાર સામે આવી છે. આઇસીઆઇસીઆઇ, એચડીએફસી અને એકસીસ જેવી મોટી ખાનગી બેંકોમાં છેલ્લા ત્રણ મહિનામાં આ નકલી નોટો બેન્કમાં જમા થઈ હોવાની વાત સામે આવતાં એસઓજી ક્રાઇમબ્રાંચે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીની તપાસમાં એ માહિતી પણ સામે આવી હતી કે, સૌથી વધુ નકલી નોટો આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી મળી આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, દર ત્રણેક મહિને એસઓજી ક્રાઇમબ્રાંચ દ્વારા આ પ્રકારે મોટી ખાનગી બેંકોમાં નકલી નોટો જમા થવાના કિસ્સામાં ફરિયાદ નોંધી ગુનો દાખલ કરે છે પરંતુ એસઓજીની તપાસમાં હજુ સુધી કંઇ તથ્ય કે નક્કર વાત કે કડી સામે આવી નથી તે બહુ મોટી વાત કહેવાય.
નકલી નોટો મોટી માત્રામાં બજારોમાં ફરતી થતી હોય છે અને ત્યાર બાદ ગ્રાહકો પાસે જતા તે લોકો બેન્કમાં જમા કરાવતા હોય છે. સામાન્ય રીતે આ નકલી નોટો ભારતીય ચલણ જેવી જ દેખાતી હોય છે પરંતુ ટેકનીકલ વ્યુ સિવાય આ નોટને જલદી ઓળખી શકાતી નથી. એપ્રિલ-૨૦૧૯થી જૂન-૨૦૧૯ સુધીમાં એ.યુ સ્મોલ બેન્ક, ડીસીબી, કાલુપુર કો.ઓપરેટીવ બેંક, યશ બેંક, આઇસીઆઇસીઆઇ, એક્સીસ, એચડીએફસી, કોટક મહેન્દ્રા,કોર્પોરેશન, સ્ટાન્ડર્ડ ચાર્ટડ, અને રિઝર્વ બેન્કમાં રૂ.૨૦૦૦ની ૧૬૧, રૂ.૫૦૦ની ૨૬૪, રૂ.૨૦૦ની ૧૬૪, રૂ.૧૦૦ની ૧૬૫૬, રૂ.૫૦ની ૨૨૪, રૂ.૨૦ની ૫, રૂ.૧૦ની ૧૧ નોટો, સરકારે રદ કરેલી રૂ.૧૦૦૦ની ૪૯ અને રૂ.૫૦૦ની ૫ નોટો મળી કુલ ૨૫૪૯ નોટો કિંમત રૂ. ૭.૧૭ લાખની બેંકોમાં પધરાવાઈ છે.
સૌથી વધુ આઇસીઆઇસીઆઇ બેન્કમાં અલગ અલગ દરની ૧૧૬૪ નકલી નોટો જમા કરાવાઈ છે. જેમાં સૌથી વધુ રૂ.૧૦૦ના દરની ૭૯૦ નોટો જમા થઈ છે. એસઓજીએ અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ તો શરૂ કરી છે પરંતુ આ નકલી નોટો બેન્કમાં કોણ જમા કરાવી ગયું છે તેની આજ સુધીમાં બહાર નથી આવતું તે બહુ આશ્ચર્ય ઉપજાવતી બાબત કહી શકાય. દર ત્રણ મહિને બેંકમાં આવેલી નકલી નોટોનો ગુનો પોલીસ નોંધી દે છે. નોટો પણ જમા લેવાય છે પરંતુ આ મામલે એસઓજી આવી નકલી નોટો મામલે કોઇ ખાસ તપાસ કરી શકી નથી તે એટલી જ વાસ્તવિકતા છે.