નવી દિલ્હી : કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહે પોતાની રાજ્યસભા મેમ્બરશીપથી અને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. કોંગ્રેસના સાંસદ સંજયસિંહના રાજીનામાથી કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. ગાંધી પરિવારના ખુબ જ નજીકના વ્યક્તિ તરીકે તેમની ગણતરી કરવામાં આવતી હતી. એવું જાણવા મળી રહ્યું છે કે, સંજયસિંહ પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યા છે. રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.
રાજ્યસભાના નાયબ અધ્યક્ષ હરિવંશે આજે આ અંગેની માહિતી આપી હતી. સંજયસિંહે રાજ્યસભાના સભ્ય તરીકે એ વખતે રાજીનામુ આપ્યું છે જ્યારે સરકાર તરફથી ત્રિપલ તલાક બિલ ઉપર હિલચાલ હાથ ધરવામાં આવી છે. સંજયસિંહ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે. તેમનો દાવો છે કે, તેમના બીજા પત્નિ અમિતાસિંહ પણ કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. સંજયસિંહના પત્નિ ગરિમાસિંહ અમેઠીમાંથી ભાજપના ધારાસભ્ય તરીકે છે.
સંજયસિંહ આ વખતે લોકસભા ચૂંટણી સુલ્તાનપુરમાંથી લડ્યા હતા જ્યાં ભાજપના મેનકા ગાંધી સામે તેમની હાર થઇ હતી. ગાંધી પરિવારના ખુબ નજીકના વ્યક્તિ તરીકે સંજયસિંહની ગણતરી કરવામાં આવે છે. સંજયસિંહે કોંગ્રેસે આસામમાંથી રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા. ૧૯૮૦માં જ્યારે નહેરુ-ગાંધી પરિવારના સભ્યોએ અમેઠીમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો ત્યારે સંજયસિંહે સંજય ગાંધીને ટેકો આપ્યો હતો. અમેઠી પર મજબૂત પકડ ધરાવનાર સંજયસિંહ પહેલા પણ એક વખતે કોંગ્રેસ સાથે છેડો ફાડી ચુક્યા છે.
રાજીનામુ આપી દીધા બાદ સંજયસિંહે કહ્યું હતું કે, ખુબ વિચારણા કરીને નિર્ણય લીધો છે. કોંગ્રેસ પાર્ટીમાં હવે સંવાદહિનતા જાવા મળી રહી છે. કોઇપણ શરત વગર ભાજપમાં સામેલ થનાર છે. ભારતીય જનતા પાર્ટીને આનાથી ફાયદો થશે.