રાવલપિંડી : પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં આજે વહેલી સવારે પાકિસ્તાની સેનાનુ વિમાન તુટી પડ્યુ હતુ. આ અકસ્માતમાં હજુ સુધી ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થયા છે. સાથે સાથે અન્ય ૧૨ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધી શકે છે. માર્યા ગયેલા તમામ લોકોમાં પાંચ સૈનિકો હોવાના હેવાલ મળ્યા છે.
પાકિસ્તાની સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે વિમાન દુર્ઘટનામાં બંને પાયલોટના પણ મોત થયા છે. અકસ્માતને ધ્યાનમાં લઇને રાવલપિંડીની હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. બચાવ અને રાહત કામગીરીમાં સામેલ રહેલા લોકોએ વિગત આપતા કહ્યુ છે કે વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૨ લોકો ઘાયલ થયા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર દર્શાવવામાં આવી છે.
પાકિસ્તાની સેનાના મુખ્ય હેક્વાર્ટસ ખાતે વિમાન તુટી પડ્યા બાદ તંત્રમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી. બાજુ સેના દ્વારા વિમાન તુટી પડવાને લઇને કોઇ કારણ આપ્યા નથી. પાકિસ્તાની સેનાએ કહ્યુ છે કે આ વિમાન ટ્રેનિંગ ઉડાણ પર હતુ. આ ગાળા દરમિયાન વિમાન રાવલપિંડીના બહારી વિસ્તારમાં સ્થિત મોરા કાલુ ગામમાં વિમાન તુટી પડ્યુ હતુ. ટીવી ચેનલના ફોટોથી જોઇ શકાય છે કે વિમાન તુટી પડ્યા બાદ તેમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. જેના કારણે કેટલાક મકાનોને પણ નુકસાન થયુ હતુ. વિમાને એકાએક કાબુ ગુમાવી દેતા આ દુર્ઘટના સર્જાઇ હતી. અંધારાના કારણે બચાવ અને રાહત કામગીરીમાં ભારે અડચણો આવી હતી. પાકિસ્તાની સેનાના જે જવાનોના મોત થયા છે તે સંબંધમાં હજુ સુધી માહિતી આપવામાં આવી નથી.