પરીક્ષાના દિવસો નજીકમાં જ ત્યારે પરીક્ષા માટેની તૈયારીમાં સૌએ ધ્યાન આપવું જરુરી છે. પરીક્ષા પ્રત્યેની આપણી નિષ્ઠા જ પરિણામને રોચક બનાવે છે. સારા માર્ક્સએ આપની મહેનતનું ફળ હોય છે. પરીક્ષા એ તમે સામે ચાલી ને ઉપાડી લીધેલી ચેલેન્જ છે. તેનાથી ડરવાને બદલે તેનો સામનો કરવામાં જ હોશિયારી છે. પરીક્ષાએ આપણી આવડત અને કુશળતાની ચકાસણી માત્ર છે, બોર્ડની પરીક્ષાએ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી એ પણ એટલું જ સત્ય છે. પરીક્ષાને જો દુ:ખ ગણશો તો પરિણામ દર્દ ભરેલું આવશે.. આવી તો ઘણી પરીક્ષામાંથી પસાર થવાનું છે, બસ પોતાની જાતને મજબુત બનાવીને આગળ વધવુ એ જ યોગ્ય છે. એવા કેટલાય બાળકો છે જેના નસીબમાં સ્કુલના દરવાજા સુધી પહોંચવું પણ નથી લખ્યું ત્યારે આપ તો છેક બોર્ડની પરીક્ષા સુધીની કાબેલિયત મેળવી ચુક્યા છો ત્યારે એ બાબત માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ.
ઘણા સમયની તૈયારીઓ પછી આપની કાબેલિયતને પુરવાર કરવાનો સમય આવ્યો છે ત્યારે આ તકને ઝડપી લેવામાં જ શાણપણ છે. પરીક્ષાના સમયે યોગ્ય ભોજન અને પુરતી ઉંઘ, તણાવમુક્ત વાતાવરણ અને ચહેરા પર આત્મવિશ્વાસ સાથેનું સ્મિત પરીક્ષા ના ડરને દૂર ભગાડે છે. પરીક્ષાને ઉત્સવમાં ફેરવી તેના રંગે રંગાઈ જવાની પણ એક મજા છે.
પરીક્ષા પૂર્વેની તૈયારી, પરીક્ષા સમય દરમ્યાનની સજાગતા અને પરીક્ષા પછીનું પરિણામ આ બધી બાબત દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે, બસ આજે આ વખતે આ સમય તમારા હિસ્સામાં છે એમ સમજી જુસ્સાભેર આ પરીક્ષા ઉત્સવમાં ભાગ લો…
- નીરવ શાહ