નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ પદને લઇને વિકલ્પના મુદ્દે ચર્ચા અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. રાહુલ ગાંધીના વિકલ્પ તરીકે પ્રિયંકા ગાંધીને લાવવાની માંગ જાર પકડી રહી છે. શશી થરુર, કેસી વેણુગોપાલ તરફથી પ્રિયંકાના નામની ભલામણ કરવામાં આવ્યા બાદ હવે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે પણ તેમના નામનું સમર્થન કર્યું છે. અમરિન્દરસિંહે કહ્યું છે કે, જો આવું થશે તો કોંગ્રેસ પાર્ટીના તમામ સભ્યોનું સમર્થન મળશે. પ્રિયંકા ગાંધી અધ્યક્ષપદ માટે બિલકુલ યોગ્ય પસંદગી છે.
જો કે, આ સંદર્ભમાં રાહુલ ગાંધી દ્વારા જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. રવિવારના દિવસે કોંગ્રેસના સાંસદ શશી થરુરે કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધી અધ્યક્ષ પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર છે. કારણ કે, પ્રિયંકા કરિશ્મો ધરાવનાર લીડર તરીકે છે. કેસી વેણુગોપાલનું કહેવું છે કે, પ્રિયંકા ગાંધીમાં નૈસર્ગિક કરિશ્મો છે. પાર્ટીના અધ્યક્ષ તરીકે તેઓ યોગ્ય સાબિત થઇ શકે છે. થરુરે કહ્યું હતું કે, રાહુલ ગાંધીના પાર્ટી અધ્યક્ષપદને છોડી દીધા બાદ નેતૃત્વને લઇને અસ્પષ્ટતાના ભાવ દેખાઈ રહ્યા હતા.
હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. વેણુગોપાલની પણ આવી જ રજૂઆત રહી છે. અમરિન્દરસિંહનું કહેવું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ કોઇપણ યુવા બને તે જરૂરી છે. પ્રિયંકા ગાંધીને અધ્યક્ષપદ પર લાવવાની વાત હજુ સુધી કરવામાં આવી નથી. રાહુલ ગાંધીના પાર્ટી અધ્યક્ષ પદ છોડી દીધા બાદથી લઇને દુવિધાભરી સ્થિતિ પ્રવર્તી રહી હતી. વેણુગોપાલે આ બાબત ઉપર થરુર સાથે સહમતિ દર્શાવી હતી કે, કોંગ્રેસ પાર્ટી અનાથ જેવી સ્થિતિમાં નથી. નવા અધ્યક્ષની ચૂંટણી સુધી રાહુલ ગાંધી જ મોટી જવાબદારી સંભાળી રહ્યા છે. રાહુલ ગાંધીને પાર્ટી પ્રમુખ તરીકે રાખવામાં આવે તેવી માંગ પણ ઘણા લોકો કરી ચુક્યા છે. અમરિન્દરની માંગ પણ મહત્વપૂર્ણ છે.