બેંગલોર : કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ગુંચવણનો અંત આવી ગયો છે. કારણ કે આજે મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ વિશ્વાસમત જીતી લીધો હતો. મૌખિક મતથી યેદીયુરપ્પાએ વિશ્વાસ મત જીતી લીધો હતો. દરમિયાન સ્પીકરે પણ રાજીનામુ આપી દેવાનો નિર્ણય કર્યો છે. વિશ્વાસમત યેદીયુરપ્પા હાંસલ કરી શકશે કે કેમ તેને લઇને વ્યાપક ચર્ચા ચાલી રહી હતી. કર્ણાટકમાં રાજકીય ઘટનાક્રમ પર તમામની નજર હતી.
યેદીયુરપ્પા બહુમતિ સાબિત કરે તેના એક દિવસ પહેલા જ કર્ણાટકમાં રાજકીય નાટકોમાં નવો વળાંક એક વખતે આવ્યો હતો જ્યારે વિધાનસભા અધ્યક્ષે જેડીએસ-કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા હતા. આ પહેલા વિધાનસભા અધ્યક્ષે ૩ ધારાસભ્યોને પણ અયોગ્ય જાહેર કર્યા હતા. કોંગ્રેસ-જેડીએસના ૧૬ ધારાસભ્યોએ પોતાની પાર્ટીમાં બળવો કરીને રાજીનામા આપી દીધા હતા જ્યારે સરકારને ટેકો આપી રહેલા એક અપક્ષે પણ રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદથી નાટકોના દોર વચ્ચે કુમારસ્વામી સરકારનું બહુમત પરીક્ષણમાં પતન થયું હતું. ત્યારબાદ ઝડપી ઘટનાક્રમના ભાગરુપે યેદીયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા.
બીએસ યેદીયુરપ્પાને બહુમત પુરવાર કરવા માટે ૧૦૪ ધારાસભ્યોની જરૂર હતી. ભાજપની પાસે હાલમાં ૧૦૫ ધારાસભ્યો છે. કોંગ્રેસ અને જેડીએસના સભ્યોના બળવા બાદ સરકાર ગબડી ગઇ હતી. કુમારસ્વામીની સરકાર વિશ્વાસમત જીતી શકી ન હતી.