નવી દિલ્હી : સરકારને એવી દહેશત સતાવી રહી છે કે, વોટ્સએપની પેમેન્ટ સર્વિસ ગ્રુપ કંપની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સાથે યુઝરોના ડેટા શેયર કરી શકે છે. આ અંગેની દહેશત સરકારને દેખાયા બાદ આ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સિક્યુરિટી અને પ્રાઇવેસીના મુદ્દે ચિંતિત સરકારે આ તમામ મુદ્દાઓમાં ધ્યાન આપવાની તૈયારી કરી છે. સરકાર દ્વારા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)ને આ સમગ્ર મામલામાં ધ્યાન આપવા માટે સૂચના આપી છે. પેમેન્ટ સર્વિસ મારફતે એકત્રિત કરવામાં આવેલા યુઝરના ડેટા કોઇની સાથે શેયર કરવામાં ન આવે તેની ખાતરી કરવા સૂચના આપવામાં આવી છે.
વોટ્સએપ અને ગુગલ પે જેવી પેમેન્ટ સર્વિસ મારફતે એકત્રિત કરવામાં આવેલા યુઝર ડેટા અન્યો સાથે શેયર કરવામાં ન આવે તે દિશામાં પહેલ થઇ રહી છે. સરકારના આદેશ બાદ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ દિશામાં ધ્યાન આપવામાં આવી રહ્યું છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એવી એજન્સી છે જે રિટેલ પેમેન્ટ અને ભારતમાં સેટલમેન્ટ સિસ્ટમને લઇને ધ્યાન કેન્દ્રિત કરે છે. આ બધી બાબતોમાં ધ્યાન આપવાનું કામ તેનું રહેલું છે. વોટ્સએપની હાલમાં શરૂ કરવામાં આવેલી પેમેન્ટ સર્વિસ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) ઉપર આધારિત છે જે રિયલ ટાઈમ ટ્રાન્સફરને લઇને સક્રિય રહે છે.
બેંક ખાતા વચ્ચે ફંડના રિયલ ટ્રાન્સફરને લઇને તેની ખાતરી કરવામાં આવે છે. વોટ્સએપે હજુ સુધી કહ્યું છે કે, ફેસબુક અને તેના નોન વોટ્સએપ ગ્રાહકો સાથે કોઇપણ પ્રકારના ચેડા કરવામાં આવ્યા નથી. જો કે, વોટ્સએપની ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર ફેસબુક તેની પેરેન્ટ કંપની તરીકે છે તેના અધિકારીઓનું કહેવું છે કે, આ દિશામાં ધ્યાન અપાઈ રહ્યું છે.