નવી દિલ્હી : કારગિલ યુદ્ધને આજે ૨૦ વર્ષ પૂર્ણ ગઇ ગયા છે. આજના દિવસે જે ૨૬મી જુલાઇ ૧૯૯૯ના દિવસે કારગીલ યુદ્ધનો સત્તાવાર રીતે અંત આવ્યો, ભારતીય સેનાએ તમામ પાકિસ્તાની ત્રાસવાદીઓ અને સેનાના જવાનોને ખદેડી મુક્યા હોવાની અને પોતાના વિસ્તાર પર સંપૂર્ણ કબજા જમાવ્યો હોવાની જાહેરાત કરી હતી. આની સાથે જ ભારતમાં જવાનોએ ઓપરેશન વિજયની ઉજવણી કરી હતી. આજે ભારતીય સાહસી જવાનોની વીરાતા અને કુશળતા તેમજ દેશભક્તિની ફરી નોંધ લેવામાં આવી હતી. કારગીલ યુદ્ધ દરમિયાન દેશના ગૌરવ માટે લડતા પોતાના પ્રાણોની આહુતિ આપી દેનાર જવાનોને આજે દેશભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે જુદા જુદા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતુ.
પાકિસ્તાન સાથે વર્ષ ૧૯૯૯ના યુદ્ધ દરમિયાન સાહસનો પરિચય આપીને શહીદ થયેલા જવાનો અને અધિકારીઓને આજે યાદ કરવામાં આવ્યા હતા.સેનાના વડાએ જમ્મુ કાશ્મીરના દ્રાસ સેક્ટરમાં મેમોરિયલ ખાતે કારગિલ યુદ્ધના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. સેના વડાએ સાહસી જવાનોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. અલબત્ત ઉજવણીનો દોર ૨૦મી જુલાઇના દિવસે શરૂ થઇ ગયો હતો પરંતુ મુખ્ય કાર્યક્રમ હવે આજથી શરૂ થઇને આગામી બે દિવસ સુધી યોજાશે.કારગીલ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે મે અને જુલાઇ ૧૯૯૯ વચ્ચે થયું હતુ. કાશ્મીરના કારગિલ જિલ્લા અને અંકુશ રેખા પર આ યુદ્ધ થયું હતુ. અંકુશ રેખાની ભારતીય બાજુમાં પાકિસ્તાની સૈનિકો અને કાશ્મીરી ત્રાસવાદીઓની ઘુસણખોરી અને તેમના દ્વારા ભારતીય ક્ષેત્રો પર કબજા જમાવી લેવાના કારણે આ યુદ્ધ થયું હતુ. આ યુદ્ધને ઇતિહાસમાં ઓપરેશન વિજય તરીકે પણ ગણવામાં આવે છે.
યુદ્ધમા મોડેથી ભારતીય હવાઇ દળે પણ ભૂમિકા અદા કરી હતી. ભારતે આખરે તેના તમામ વિસ્તારો પર કબજા જમાવ્યો હતો. પાકિસ્તાની સેનાના જવાનોને ખસી જવાની ફરજ પડી હતી. બે પરમાણુ સક્ષમ દેશ વચ્ચે આ યુદ્ધ થયું હતુ. વર્ષ ૧૯૯૮માં જ બન્ને દેશોએ પરમાણુ પરિક્ષણ પણ કર્યા હતા. કારગિલ ઓપરેશનમાં ભારતના પક્ષે સત્તાવાર રીતે ૫૨૬ જવાનો શહીદ થયા હતા. બીજા મોટી સંખ્યામાં જવાનો ઘાયલ પણ થયા હતા. આજે દેશના લોકોએ તમામ જવાનોને તેમની વીરતા પર યાદ કર્યા હતા.