અમદાવાદ : જમ્મુ કાશ્મીરમાં દેશની રક્ષા કાજે શહીદ થયેલા આર્મી જવાન મહંમદ આરીફ પઠાણના પાર્થિવ દેહને આજે વડોદરા ખાતે અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો, ત્યારે એક તબક્કે બહુ લાગણીસભર, હૃદયદ્રાવક અને દેશભકિતના દ્રશ્યો સર્જાયા હતા. વીર શહીદ મહંમદ આરીફ પઠાણને આર્મી તરફથી વિશેષ ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતું. શહીદ જવાનને શ્રધ્ધાંજલિ આપવા માટે આર્મીના અધિકારીઓ, રાજકીય મહાનુભાવો અને નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા. એક તબક્કે ઉપસ્થિત વિશાળ જનમેદનીમાં વીર શહીદ અમર રહો, આરીફ તુમ અમર રહો, ભારત માતા કી જયના જોરદાર નારા લાગ્યા હતા. આજના શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં વડોદરાના મેયર સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા.
આરીફના પિતા શફી આલમે જણાવ્યું હતું કે, આરીફને નાનપણથી જ આર્મીમાં જવાનું ઝનૂન સવાર હતું. દેશ કાજે શહીદી વહોરવા બદલ તેના પિતાએ ભારે ગૌરવની લાગણી વ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે, ભારત માતાની રક્ષા કાજે મારા દસ દિકરાઓની કુરબાની આપવા પણ તૈયાર છું. રાષ્ટ્રથી મહાન બીજી કોઇ ચીજ નથી. મને મારા દિકરાની શહાદત પર ગૌરવ છે, તે શહીદ બની અમર થઇ ગયો. આરીફે વડોદરા શહેરની ટી.પી.૧૩ ખાતે આવેલી શિક્ષણ સમિતિની પંડિત દીન દયાલ ઉપાધ્યાય શાળામાં અભ્યાસ કર્યો હતો. આ શાળાના વિદ્યાર્થીઓ આજે આરીફના અંતિમ દર્શન માટે ફ્લેગ, ગુબ્બારા અને પોસ્ટર્સ સાથે આવ્યા હતા. પંડિત દીન દયાલ ઉપાધ્યાય શાળાના પ્રિન્સિપાલ ચીમનલાલ નાઇએ જણાવ્યું હતું કે, આરીફમાં નાનપણથી જ દેશની રક્ષા કરવા માટે આર્મીમાં જવાની ઇચ્છા હતી. મને ગર્વ છે કે, મારી સ્કૂલના છોકરાએ મા ભોમની રક્ષા કરતા કરતા પોતાની જીવની આહુતિ આપી દીધી છે.
હું તેના માતા-પિતાને પણ નમન કરૂ છું કે, તેઓએ આરીફ જેવા રત્નને જન્મ આપ્યો કે, જેણે દુશ્મન સામે લડતા લડતા દેશ માટે બલિદાન આપી દીધું. હું ૧૯૮૪માં સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયો હતો. આરીફે ૧૯૯૩માં પહેલાં ધોરણમાં સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. આરીફે શાળામાં ધો-૭ સુધી અભ્યાસ કર્યો હતો. આરીફ નાનપણથી જ મજબૂત ઇરાદાવાળો છોકરો હતો. તેને માત્ર પુશ કરવાની જ જરૂર હતી અને અમે તેને પુશ કરતા રહ્યા હતા. અમે તેને અભ્યાસની સાથે દેશ ભક્તિની વાતો પણ શીખવતા હતા. આરીફની નાનપણથી જ ઇચ્છા હતી કે, મોટો થઇને તેને દેશની રક્ષા માટે આર્મીમાં જવું છે અને દેશની સેવા કરવી છે. જ્યારે સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થાય, ત્યારે આરીફ તેમાં ઉત્સાહભેર ભાગ લેતો હતો. તે હંમેશા આર્મી જવાનની જ ભૂમિકા ભજવતો હતો. આજે હું તેને સેલ્યુટ કરૂ છું.