ગીતાદર્શન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

           ” એવમ પ્રવર્તિતમ ચક્રમ ન અનુવર્તયતિઇહ ય: II
             અઘાયુ ઇન્દ્રીયારામ: મોઘમ પાર્થ સ: જીવતિ II ૩/૧૬ II”

અર્થ –

” હે પાર્થ !! આ પ્રમાણે ચાલુ થયેલ ચક્રને જે અનુંસરતો નથી,તે પાપી જીવનવાળો તથા ઇન્દ્રીયલંપટ હોઇ વ્યર્થ જીવે છે. ”

અગાઉ આપણે જોયું કે વરસાદ યજ્ઞથી થાય છે, યજ્ઞ કર્મથી  પ્રગટે છે , અને કર્મ બ્રહ્મમાંથી નીકળેલ છે. ભગવાન આ શ્ર્લોકમાં કહે છે કે જે વ્યક્તિ આ ચક્રને અનુંસરતો નથી તેને લંપટ  સમજવો અને તેથી તેનું જીવવું પણ નિરર્થક જાણવું. ભગવાન આવા લોકોને પાપીની વ્યાખ્યામાં મૂકે છે. તમારે કુદરતે જે નિયત ક્રમ નક્કી કર્યો હોય એને તો અનુંસરવું જ પડે ને ? જો તમે એનાથી કશું વિપરીત કે વિરુધ્ધનું કરવા જાઓ તો તમારું  જીવવાનું વ્યર્થ થઇ જશે, કેમ કે તમે કુદરતની વિરુધ્ધ કેવી રીતે જઇ જ શકો ?? તમે જો નિયત થયા મુજબનાં યજ્ઞ કર્મો નહિ કરો તો તમારે જીવનમાં જે સુખ અને શાંતિ જોઇએ છે તે મળી  શકશે નહિ. તે પ્રાપ્ત કરવામાં તમને અનેક વિઘ્નો આવશે.

સસારનું ચક્ર ચલાવવા માટે ઇશ્વરે એક માળખુ સેટ અપ કરેલ છે. જેમ એક કંપનીમાં કોઇ વસ્તુનું ઉત્પાદન થતું હોય તો તેને માટે જે મશીનરી બેસાડેલી હોય અને તેના જે જે તબક્કા નક્કી કરેલા હોય તેને જો જડબેસલાક રીતે ન અનુસરો તો ઉત્પાદનની સમગ્ર પ્રક્રિયા ખોરવાઇ જશે. ઉત્પાદન બંધ થઇ જશે  અને સરવાળે  તે  એકમ ખોટ કરવા લાગશે જેને લીધે ઘણી બધી મુશ્કેલીઓ અને અસુવિધાઓ ઉદભવશે. તો આવું બધુ ન થાય તે માટે ફેક્ટરીમાં નિયત થયા  મુજબ જ પ્લાન્ટ ચલાવવો પડે  છે તેમ જીવનમાં પણ ઇશ્વરે નિયત કરેલ માર્ગોને જ અનુંસરવા પડે. અન્યથા ધારેલ પરિણામ મળશે નહિ અને  આપણે લંપટ અને પાપીની વ્ય્ખ્યામાં આવી જશું તે વધારાનું. અસ્તુ.

  •  અનંત પટેલ

anat e1526386679192

Share This Article