અમેરિકાની પ્રથમ ઐતિહાસિક યાત્રાએ પહોંચેલા પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન સરળતાથી વિશ્વના દેશોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અમેરિકા સહિતના દેશો તેમની બાબતમાં ધ્યાન પણ આપી રહ્યા છે. ટોપના જાણકાર લોકો માને છે કે પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ અને ત્રાસવાદીઓન આકા સક્રિય છે. આ તમામ લીડરો છુટથી તેમની ગતિવિધી ચલાવી રહ્યા છે. અપરાધીઓ અને ત્રાસવાદી લીડરો પાકિસ્તાનના જુદા જુદા વિસ્તારમાં ખુલ્લી રીતે તેમની ગતિવિધી ચલાવી રહ્યા છે છતાં ઇમરાનની સરકાર કાર્યવાહી કરવાની હિમ્મત કરી શકી નથી. ભારતમાં અનેક હુમલા માટે જવાબદાર રહેલા કુખ્યાત આકાઓ સામે કોઇ પગલા લેવામાં આવી રહ્યા નથી ત્યારે ઇમરાન ત્રાસવાદીઓ સામે લડાઇ લડવામાં આવી રહી હોવાની વાત કરી રહ્યા છે.
અન્ય વિતેલા વર્ષોના વડાપ્રધાન જેવુ જ નિવેદન તેમનુ આવી રહ્યુ છે. વિશ્વમાં જ્યાં સુધી ત્રાસવાદના મોરચા પર અમેરિકા સહિતના દેશો એક મંચ પર આવીને પાકિસ્તાનનો વિરોધ કરશે નહીં ત્યારે પાકિસ્તાનના લોકો આ પ્રકારના નિવેદન કરતા રહેશે. વિશ્વની અનેક સંસ્થાઓ કહી ચુકી છે કે પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ માટે સુરક્ષિત સ્થળ તરીકે છે. દુનિયાના સૌથી ખતરનાક ત્રાસવાદી ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનમાં છેલ્લે મળ્યો હતો. એ વખતે અમેરિકી કમાન્ડોએ કાર્યવાહી કરીને લાદેનને મોતનો ઘાટ ઉતારી દીધો હતો.
લાદેન જેવો ત્રાસવાદી પાકિસ્તાનમાં હોય અને તેને આની માહિતી ન હોય તે બાબત તો કોઇને ગળે ઉતરે તેવી નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અમેરિકી સાંસદોને સંબોધન કરતા મોટો ખુલાસો કર્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યુ હતુ કે તેમની જમીન પર ૪૦ ત્રાસવાદી સંગઠનો સક્રિય રહેલા હતા.પહેલા ત્રાસવાદીઓ સક્રિય હતા તેવી વાત ઇમરાન કરી બચવાના પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ હાલમાં જે ત્રાસવાદીઓ અને અપરાધીઓ છુપાયેલા છે તેમની સામે કાર્યવાહી કરવાની કોઇ વાત ઇમરાન કરતા નથી જે તેમની બેવડી નીતિ દર્શાવે છે.