મુંબઇ : દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકોની હાલત ફરી એકવાર કફોડી બની ગઇ છે. કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ ગઇ છે. મંગળવારના દિવસે મોડી રાત્રે વરસાદની શરૂઆત થયા બાદ આજે વરસાદ જારી રહ્યો હતો. જેના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતી રહી હતી. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યુ છે કે આગામી બે દિવસ દરમિયાન ભાર વરસાદ પડવા માટેની ચેતવણી જારી કરવામાં આવી છે.
વરસાદના કારણે કેટલીક જગ્યાએ અકસ્માતો પણ થયા છે. અંધેરીમાં આજે સવારમાં વિજિબિલિટી ઘટી જવાના કારણે કેટલાક વાહનો ટકરાઇ ગયા હતા. આ ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા હતા. મંગળવારથી જારી વરસાદના કારણે હિન્દ માતા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતી રહી હતી. અહીં ઘુટણ સુધીના પાણી ભરાઇ ગયા હતા. આજે જોરદાર વરસાદ જારી રહ્યો હતો. સાયન વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળ્યા છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે મુંબઇમાં ભારે વરસાદ જારી રહેશે જેથી લોકોને હાલ પુરતી કોઇ રાહત મળનાર નથી.
મુંબઇની તુલનામાં મહારાષ્ટ્રના રાયગઢ અને રત્નાગીરી જિલ્લામાં હળવો વરસાદ થયો છે. મુંબઇમાં આઠમી જુલાઇની રાત્રે સુધી જુલાઇના સરેરાશ વરસાદ પૈકી ૫૨ ટકા હિસ્સામાં વરસાદ થઇ ગયો છે. જુલાઇમાં સરેરાશ ૮૪૦ મીમી વરસાદ થાય છે. જ્યારે આઠમી જુલાઇ સુધીમાં ૭૦૮ મીમીથી વધારે વરસાદ થઇ ચુક્યો છે. જુન મહિનાની વાત કરવામાં આવે તો ૨૨૭૨ મીમી વરસાદની તુલનામાં ૧૩૧૫ મીમી વરસાદ એટલે કે ૫૭ ટકા વરસાદ થયો છે.મું બઇમાં વાર્ષિક સરેરાશ ૨૫૧૫ મીમી વરસાદ થાય છે. જે કુલ વરસાદનો ૫૨ ટકા હિસ્સો છે.