નવી દિલ્હી : મોનસુન પ્રથમ વરસાદમાં પલડવાનું તમામ લોકોને ખૂબ પસંદ છે પરંતુ આ સિઝનમાં ખાસ પ્રકારની સાવચેતી રાખવાની જરૂર પડે છે. કારણ કે આ સિઝનમાં ઇમ્યુનીટિ પાવર અથવા તો રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. રોગપ્રતિકારક શક્તિ ઘટી જવાના કારણે ઘણી બીમારી ઘેરી લે છે. વરસાદની સિઝનમાં બીમારીઓ પણ ફેલાઈ જાય છે. શરીરમાં સરળતાથી બીમારીઓ લાગુ પડવાથી તકલીફોનો સામનો કરવો પડે છે. મોનસુન સિઝનમાં બીમારીથી બચવા માટે ઘણા પ્રયાસો જરૂરી બની જાય છે. ઇમ્યુનીટિ પાવરને વધારવા માટે સાવચેતીના તમામ પગલાં લેવાની સલાહ તબીબો આપે છે.
મોનસુન દરમિયાન મલેરિયા, કોલેરા, ટાઈફોઈડ જેવી બીમારી ફેલાઈ જાય છે. આ ઉપરાંત શરદી, ખાસી અને વાયરલ ઇન્ફેક્શના હુમલાઓ પણ તીવ્ર બની જાય છે. આવી સ્થિતિમાં સાવચેતીના પગલાં લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. વરસાદની સિઝનમાં પ્રદૂષિત પાણીમાં પલડવાથી પગમાં ઇન્ફેક્શન પણ થઈ જાય છે. ડાયાબીટીશવાળા દર્દીઓને આ સિઝનમાં વધારે ધ્યાન રાખવાની જરૂર પડે છે. ડાયાબીટીશના દર્દીઓને પગ પાણીમાં પલડવા દેવા જોઇએ નહીં. ઇમ્યુનીટિ પાવર વધારનાર કેટલાક ઉપાય પણ છે જેનાથી શરીરને વધારે મજબૂત અને સ્વસ્થ રાખી શકાય છે. ચોખ્ખા અને ઘંઉથી બનેલી હળવી ચીજવસ્તુઓ ખાવામાં ઉપયોગમાં લેવી જોઇએ. શાકભાજીમાં શુપનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. પાણી ગરમ કરીને પીવામાં આવે તે જરૂરી છે.
પાણીને ઢાંકીને રાખવાની સલાહ નિષ્ણાંતો અને તબીબો આપી રહ્યા છે. ચણાનો ઉપયોગ કરવાથી પણ ફાયદો થાય છે. દિવસના સમયમાં વધારે ઊંઘવાની ટેવ ન પાડવી જોઇએ. આ ઉપરાંત તાપમાં બહાર નીકળવાની બાબત પણ ટાળવી જોઇએ. એસીના રૂમમાં ભીના વાળ સાથે ક્યારેય જવું જોઇએ નહીં. શરીરમાં પાણીનું પ્રમાણ ન ઘટે તે બાબત ઉપર ખાસ ધ્યાન આપવું જોઇએ. આ તમામ બાબતો અને સાવધાનીથી મોનસુનમાં સ્વસ્થ રહી શકાય છે.