મુંબઈ : ભારતમાં લકઝરી કાર માર્કેટમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થઇ રહ્યો છે. પ્રથમ છ મહિનાના ગાળામાં જ ૧૫૦૦૦-૧૭૦૦૦ યુનિટોનું વેચાણ થયું છે. છેલ્લા ચાર વર્ષના ગાળામાં લકઝરી કાર માર્કેટમાં વધારે ગાડીઓ વેચાઈ રહી હતી પરંતુ હવે ઓછી ગાડીઓનું વેચાણ થઇ રહ્યું છે. માર્કેટ લીડર મર્સિડીઝ બેન્ઝમાં ૧૮ ટકા સુધીનો ઘટાડો થયો છે. જાન્યુઆરીથી લઇને જૂન ૨૦૧૯ વચ્ચેના ગાળામાં ૧૫૦૦૦-૧૭૦૦૦ યુનિટોનું વેચાણ થયું છે.
અર્થતંત્રમાં મંદી, ઉંચા જીએસટી રેટ અને વધી રહેલા આયાત ખર્ચના પરિણામ સ્વરુપે લકઝરી કાર માર્કેટમાં મોટો કડાકો બોલી ગયો છે. આર્થિક વિકાસની ગતિ ધીમી પડી છે. સાથે સાથે ચૂંટણી નજીક હતી ત્યારે અનિશ્ચિતતાના માહોલમાં પણ ખરીદદારો વધારે સાવધાન થયા હતા. મર્સિડીઝ બેન્ઝ અને ઓડી જેવા મહાકાય કંપનીઓને આશા છે કે, આવનાર મહિનાઓમાં સ્થિતિમાં સુધારો થશે. જો કે જોખમ લેવા માટે આ કંપનીઓ પણ તૈયાર દેખાઈ રહી છે. આગામી દિવસોમાં કાર કંપનીઓ વચ્ચે વધુ સ્પર્ધા થઇ શકે છે. એકબાજુ લકઝરી કાર માર્કેટમાં ઘટાડો થઇ રહ્યો છે જ્યારે બીજી બાજુ નાની કારના માર્કેટમાં લોકો ઉત્સુક છે.